શહેરા નજીક યુવતીની છેડતી, અભયમ હેલ્પલાઈનની ત્વરિત કાર્યવાહીથી પોલીસ ફરિયાદ નોંધાઈ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા નજીકના એક ગામમાં કરિયાણાની દુકાને સામાન લેવા ગયેલી એક યુવતી સાથે દુકાનદારે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી છે. યુવતીએ તાત્કાલિક ઘરે આવીને પોતાની માતાને આ ઘટના અંગે જાણ કરી હતી. ભયભીત માતા-પુત્રીએ મદદ માટે 181 મહિલા હેલ્પલાઈન અભયમ નો સંપર્ક કર્યો હતો.
મળતી માહિતી મુજબ, યુવતી ગામની કરિયાણાની દુકાને ઘરવખરીનો સામાન લેવા ગઈ હતી. આ દરમિયાન દુકાનદાર વ્યક્તિએ યુવતીને દુકાનના પાછળના ગોડાઉનમાં બોલાવીને તેની સાથે અયોગ્ય વર્તન અને શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાથી ડરી ગયેલી યુવતીએ ઘરે આવીને માતાને જાણ કરતા, બંને માતા-પુત્રી ભવિષ્યમાં પણ દુકાનદાર દ્વારા આવી હરકત થવાનો ભય અનુભવી રહ્યા હતા, જેથી તેમણે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને મદદ માંગી.
અભયમ કાઉન્સિલર દ્વારા તરત જ માતા-પુત્રીને આશ્વાસન આપવામાં આવ્યું હતું. અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દુકાનદારની તપાસ કરતા તે ત્યાંથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીને સુરક્ષા પૂરી પાડવા અને ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવા માટે અભયમ ટીમે શહેરા પોલીસ સ્ટેશનમાં યુવતી વતી ફરિયાદ નોંધાવી છે.







