Jetpur: જેતપુર-નવાગઢ પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકોની ચૂંટણીમાં ૧.૦૪ લાખ મતદારો નોંધાયા

તા.૧૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતાધિકારીનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ, પાલિકાની ૪૪ બેઠકો માટે ૧૪૦ ઉમેદવારો મેદાનમાં
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી ૧૬મીએ મતદાન થનાર છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં ૧૧ વોર્ડમાં કુલ ૧,૦૪,૫૫૯ મતદારો નોંધાયા છે.
રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજવા જિલ્લા નોડલ અધિકારી નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમના માર્ગદર્શનમાં કામગીરી ચાલી રહી છે. જેતપુર-નવાગઢ પાલિકામાં હાલ રિટર્નિંગ ઓફિસરો શ્રી રાહુલ ગમારા (વોર્ડ ૧થી ૬) તથા શ્રી જય ગોસ્વામી (વોર્ડ ૭થી ૧૧) માર્ગદર્શનમાં ચૂંટણીમાં મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
જેતપુર નવાગઢ પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાં ૧૫ બેઠકો સામાન્ય છે. જ્યારે ૦૬ બેઠકો પછાત વર્ગ સ્ત્રી, ૦૧ બેઠક અનુ. જાતિ સ્ત્રી, ૧૫ બેઠકો સામાન્ય સ્ત્રી, ૦૬ બેઠકો પછાત વર્ગ તેમજ ૦૧ બેઠક અનુ. જાતિ વર્ગ અનામત છે.
આ પાલિકાના ૧૧ વોર્ડ વિસ્તારમાં કુલ ૧,૦૪,૫૫૯ મતદારો નોંધાયા છે. જેમાં વોર્ડ-૧માં ૯૨૮૭, વોર્ડ-૨માં ૯૮૨૮, વોર્ડ-૩માં ૯૬૪૬, વોર્ડ-૪માં ૧૦૨૭૫, વોર્ડ-૫માં ૮૭૪૮, વોર્ડ-૬માં ૯૧૯૬, વોર્ડ-૭માં ૭૩૨૩, વોર્ડ-૮માં ૯૧૪૮, વોર્ડ-૯માં ૧૦૩૯૫, વોર્ડ-૧૦માં ૯૪૦૫, વોર્ડ-૧૧માં ૧૧૩૦૮ મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહત્ત્વનું છે કે, ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૪૦ વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પાલિકા વિસ્તારમાં કુલ ૧૧ વોર્ડમાં ૧૧૮ મતદાન મથકો છે. જેમાંથી ૯૭ સંવેદનશીલ મતદાન મથકો છે. આ ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડમાં ૧૪૦ ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ ૬૮૬ ચૂંટણી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
આ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરતા ૭૦ જેટલા પોસ્ટર, બેનર, ધ્વજ દૂર કરવામાં આવ્યા છે.



