Rajkot: કારકિર્દી માટે જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ પરત અપાવતું પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર
તા.૨૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
એકલી રહેતી પરિણિત મહિલાને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પરિવાર પાસેથી મેળવી અપાવ્યા
Rajkot: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ચાલતા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (PBSC) દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને મદદરૂપ બનવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હાલમાં એક મહિલા અરજદારને તેમના પિતા પાસેથી જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં મદદ કરવામાં આવી હતી.
આ અંગે સપોર્ટ સેન્ટરના અધિકારીએ વિગત આપતા જણાવ્યું હતું કે, આ મહિલાને સાસરિયા પક્ષના લોકો ત્રાસ આપતા હતાં. જે અંગે તેમના પરિવારના લોકોના સહકારના અભાવને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી મહિલાએ કંટાળીને કોઈ પણ દાગીના કે રોકડ લીધા વગર ઘર છોડીને રાજકોટ આવી ગયા હતા. અહીં તેઓ પી.જી.માં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતા કરતા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા હતા.
મહિલાએ એલ.આર.ડી.ની ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષા પાસ કરી લીધી હતી. આ તબક્કે, તેમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડી. જે તેમના પિતા પાસે હતા. જ્યારે તેમણે પિતાને આ અંગે ફોન પર વાત કરી ત્યારે દીકરીને ઘરે પાછા ફરવા માટે કહ્યું હતું, પરંતુ મહિલાને ડર હતો કે સાસરિયા અને પિયરપક્ષ બંને ભેગા મળીને તેમને નુકસાન પહોંચાડી શકે છે, જેથી તેઓ ઘરે પાછા ફર્યા નહોતા અને મદદ માટે સપોર્ટ સેન્ટરનો સંપર્ક કર્યો હતો.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરે પરિસ્થિતિની ગંભીરતા સમજીને મહિલાના પિતાનો સંપર્ક કરી તેમને રૂબરૂ બોલાવીને સમજાવ્યા હતાં કે તેમની દીકરીને તેના ભવિષ્ય માટે આ ડોક્યુમેન્ટ્સની ખૂબ જરૂર છે. કાઉન્સેલિંગ બાદ, પિતાએ તેમની દીકરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપીને મદદ કરી હતી. ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ મળી જતા મહિલાને તેની કારકિર્દીમાં આગળ વધવા માટે એક મોટી તક પૂરી પાડવામાં આવી છે.