
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – સાઠંબામાં ઢોર ચારી રહેલા શખ્સ પર જીવલેણ હુમલો, ચાર આરોપીઓની ધરપકડ બાદ પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
સાઠંબા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સાઠંબા હાઈસ્કૂલ પાછળ ઢોર ચારી રહેલા પ્રવીણ પરમાર પર ચાર યુવકોએ જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ સાઠંબા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.હુમલા બાદ સાઠંબા પોલીસે મારમારનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બીજી તરફ સાઠંબા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનના કેટલાક વહીવટદારોના આશીર્વાદથી દેશી તથા વિદેશી દારૂનો ધંધો બેફામ વધ્યો છે. દારૂના નશામાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસનો પણ ડર રહ્યો નથી. બુટલેગરો સાથે ભાઈબંધી રાખી દારૂના વેચાણની છૂટ આપનાર વહીવટદાર કોણ…? તેવો સવાલ હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.“વહીવટદારની રામ-લખનની જોડી એટલે બુટલેગરો માટે ભગવાન સમાન” એવી ચર્ચાઓ પણ ખુલ્લેઆમ થઈ રહી છે. ભ્રષ્ટ પોલીસકર્મીઓ પર ઉચ્ચ અધિકારીઓના ચાર હાથ હોવાના આક્ષેપો સાથે હવે અરવલ્લી જિલ્લાના લોકો દ્વારા તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
પોલીસે ઝડપી પાડેલ આરોપીઓના નામ:
રાહુલસિંહ ઉદેસિંહ સોલંકી
રાજેન્દ્રસિંહ ભુપતસિંહ સોલંકી
રાજ બહાદુરસિંહ દિલીપસિંહ સોલંકી
(તમામ રહે. કાશીયાવત, તા. સાઠંબા)
કાર્તિકકુમાર લક્ષ્મણભાઈ ઠાકોર
(રહે. આસપુર, તા. વિરપુર)
ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી લોક માંગ તેજ બની છે.





