
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગરમાયું રાજકારણ – સભ્યોએ આશરે રૂ. ૨૦ લાખથી વધુના વિકાસ કામોમાં ગેરરીતિ થયાની શંકા વ્યક્ત કરી
અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતમાં વિકાસ કામોને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવતા ગામમાં રાજકીય તણાવ સર્જાયો છે. નોંધનીય બાબત એ છે કે આક્ષેપો ગામ પંચાયતના સભ્યોએ જ કર્યા છે. સભ્યો ગ્રામ પંચાયત કચેરી આગળ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પંચાયત સભ્યોના જણાવ્યા મુજબ ગટર લાઇન, રોડ તેમજ સાફસફાઈ જેવા વિકાસ કામોમાં ગેરરીતિ આચરાઈ છે. ગટરલાઈન અને સફાઈના કામો કરવામાં આવ્યા વગર જ ખોટા બિલો બનાવી સરકારી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેસીબી મશીનના એક કલાકના રૂ. ૯૦૦ના બદલે રૂ. ૧૪૦૦ના બિલો ઉભા કરી નાણાકીય ગેરવ્યવહાર કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે સરપંચની ગેરહાજરી દરમિયાન સરપંચના પુત્ર તથા ડેપ્યુટી સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી સરપંચ પિયુષ ત્રિવેદીએ પોતાના વિસ્તારને પ્રાધાન્ય આપી અન્ય વિસ્તારોને વિકાસથી વંચિત રાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત પહેલેથી બનેલા પાકા આરસીસી રોડ પર ફરી બ્લોક નાખી અનાવશ્યક ખર્ચ કરાયો હોવાનું પણ સભ્યોએ જણાવ્યું.આ સમગ્ર મામલે તલાટીએ પંચાયતનો બચાવ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સભ્યોએ આશરે રૂ. ૨૦ લાખથી વધુના વિકાસ કામોમાં ગેરરીતિ થયાની શંકા વ્યક્ત કરી અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી પાસે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.હાલ સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે અને જિલ્લા સ્તરે શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર ટકેલી છે.





