
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગતરોજ સોમવારે સાપુતારા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી.જ્યારે મંગળવારે દિવસ દરમ્યાન આહવા પંથકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. મંગળવારે દિવસ દરમ્યાન વઘઇ અને સુબિર પંથકનાં ગામડાઓમાં મધ્યમ વરસાદ પડ્યો હતો.જ્યારે સાપુતારા પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.આહવા પંથકનાં ગામડાઓમાં દિવસ દરમ્યાન ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ખાપરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની હતી.આહવા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે કોતરડા,વહેળા, નાળા અને નાના મોટા જળધોધ ઓવરફ્લો થયા હતા.જ્યારે વઘઇનો ગીરાધોધ પણ હાલમાં સોળેકળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.ગિરિમથક સાપુતારા ખાતે ઝરમરીયા વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.





