
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
કચ્છ જિલ્લામાં ટેટ–1 પરીક્ષા કેન્દ્ર જાહેર કરવાની વિદ્યાર્થીઓની લોકમાંગ
કચ્છ, તા.15 : રાજ્યમાં ધોરણ 1 થી 5 માટેની ટેટ–1 વિશેષ શિક્ષક યોગ્યતા કસોટીની જાહેરાત બાદ કચ્છ જિલ્લામાં લાયક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છતાં દર વર્ષે જેમ મોટા ભાગના કચ્છી ઉમેદવારોને 400 કિલોમીટર દૂર પરીક્ષા આપવા જવું પડે છે તેમ આ વર્ષે પણ દૂરના કેન્દ્રો ફાળવાય તેવી આશંકા વચ્ચે વિદ્યાર્થીઓ–વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
વર્ષ 2023ની ટેટ–1માં રાજ્યમાં માત્ર 2769 જ ઉમેદવારો પાસ થયા હતા જ્યારે કચ્છમાં જ 1500 જેટલી જગ્યાઓ આજે પણ ખાલી હોવાના અહેવાલ છે. આ વર્ષે સરકાર દ્વારા મંજૂરી મળતાં રાજ્યમાં 1.14 લાખથી વધુ અરજીઓ થઈ છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યા કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓની છે. પરંતુ દૂરના જિલ્લાઓમાં કેન્દ્ર ફાળવાતા કચ્છના વિદ્યાર્થીઓ—ખાસ કરીને યુવતીઓ—અરજી કરવાનું (છેલ્લી તારીખ 18 નવેમ્બર છે.) કે પરીક્ષા આપવા જવાનું ટાળી રહ્યાં છે જે ચિંતાજનક બાબત છે.
કચ્છના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જતાં પ્રત્યેક ઉમેદવારના પરિવારે આશરે 5000 જેટલો ખર્ચ ભોગવવો પડે છે તેમજ લાંબી મુસાફરીના કારણે શારીરિક–માનસિક થાકથી પરિણામ પર પણ નકારાત્મક અસર પડે છે.
જ્યારે કચ્છમાં 10–12 બોર્ડ, કોલેજ, નેટ – જીસેટ જેવી રાષ્ટ્રીય પરીક્ષાઓ સુવ્યવસ્થિત રીતે લેવાય છે ત્યારે માત્ર “વહીવટી અનુકૂળતા”ના કારણે ટેટ–1 કેન્દ્ર ન આપવું અન્યાયસભર અને અસંગત હોવાનું ઉમેદવારોનું માનવું છે.
આ અંગે તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર (સહાયક અધ્યાપક – શેઠ એસ.વી. કોલેજ, માંડવી તથા પ્રમુખ—રતાડીયા જલારામ સખી મંડળ, મુંદરા) દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે.
તેમણે રજૂઆત કરતાં જણાવ્યું કે—
1. કચ્છ જિલ્લાના લાયક ઉમેદવારો માટે વિશેષ કિસ્સા તરીકે ટેટ–1 પરીક્ષા કેન્દ્ર કચ્છમાં જ જાહેર કરવામાં આવે, અથવા
2. જિલ્લા બહાર કેન્દ્ર હોય તો સરકારી મફત બસની વ્યવસ્થા કરવામાં આવે.
આ નિર્ણયથી કચ્છના હજારો વિદ્યાર્થીઓને થાક વગર પરીક્ષા આપવા મળશે અને પ્રાથમિક શિક્ષકોની દાયકોથી ચાલી રહેલી ખાલી જગ્યાઓ ભરાઈ શકશે.
તિતિક્ષાબેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે કચ્છના વિકાસને પ્રાધાન્ય આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કચ્છમાં રાત્રી રોકાણ કરીને સમસ્યાઓનો અભ્યાસ કરનાર ઉપમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પોતે કચ્છી અને શિક્ષણ ક્ષેત્રે અનુભવી શિક્ષણમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા આ ન્યાયોચિત અને તાત્કાલિક માંગ પર સકારાત્મક નિર્ણય લેશે. જેના થકી દેશના લોકલાડીલા ગુજરાતી વડાપ્રધાનના શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના સપનાને વેગ મળશે એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




