ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.
પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે છ જેટલા ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટ્વીટ કરીને જાણકારી આપી કે, ‘ડ્રગ-મુક્ત ભારતના અમારા વિઝનને અનુરૂપ, NCBએ આજે ગુજરાતમાં અંદાજે 700 કિલો મેથ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરની રિંગને સફળતાપૂર્વક તોડી પાડી છે. ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસ સાથેનું આ સંયુક્ત ઓપરેશન અમારી અતૂટ પ્રતિબદ્ધતા અને પ્રભાવશાળી આંતર-એજન્સી સહયોગનું ઉદાહરણ છે.’
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જણાવ્યું કે, ‘આજનું ઓપરેશન ડ્રગ-મુક્ત ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે! NCB, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી અમે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ રિંગને સફળતાપૂર્વક તોડી પાડી છે અને આશરે 700 કિલો મેથ જપ્ત કરી છે. અમે અમારા મિશનમાં વધુ મજબૂત છીએ.’
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધુ નાકામ થયુ છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ. 5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે અને 431 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયાં છે.





