24 કલાકમાં પોરબંદરમાં 18 ઇંચ કરતાં વધુ વરસાદ પડયો

પોરબંદર: સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં સૌથી વધારે પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને સ્થળ ત્યા જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ભારે વરસાદને કારણે માત્ર 24 કલાકમાં જ પોરબંદરમાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને સમગ્ર પોરબંદર જિલ્લામાં સિઝનનો 63 ટકા વરસાદ પડ્યો હતો. આમ, પોરબંદરમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. હાલ પોરબંદરમાં કુલ 103 ટકા વરસાદ પડી ગયો હોવાનો આંકડો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરનો સરેરાસ વરસાદ 30 ઇંચ છે, પરંતુ માત્ર 24 કલાકમાં 19 ઈંચ વકરસાદ થતાં 100 ટકા વરસાદનો આંકડો પૂર્ણ થયો છે.
સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને વલસાડ આસપાસના વિસ્તારોમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે તે અંગેની આગાહી કરી છે. રાજ્યના કુલ 9 જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવી છે. જેમા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે, ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.




