
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : વણિયાદથી થી નહેરુકંપા નજીકના માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ, સોલર પ્લાન્ટના મસમોટા ઓવરલોડિંગ સાધનો એ રસ્તાનો દાટ વાર્યો – માર્ગ અને મકાન વિભાગ નિષ્ક્રિય.!!! આમ જનતા પરેશાન
રસ્તો ખરાબ હોવાથી 108 ને સમયસર મોડાસા પહોંચવામાં મુશ્કેલીઓ વેઠવી પડી
મોડાસા તાલુકાના વણિયાદથી નહેરુકંપા નજીકનો માર્ગ હાલ અત્યંત દયનીય હાલતમાં ફેરવાયો છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રોજબરોજ આ માર્ગનો ઉપયોગ કરનાર સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામોના વાહનચાલકો માટે આ રસ્તો જોખમી બન્યો છે.લોકોનો આક્ષેપ છે કે નજીકના સોલર પ્લાન્ટ માટે સતત ઓવરલોડિંગ સાથે પસાર થતા મોટા અને ભારે વાહનોની અવરજવરથી રસ્તાની હાલત બગડી છે. ભારે વાહનો બેફામ દોડતા હોવાથી રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે અને ઘણી વખત અન્ય વાહનચાલકોને સાઇડ પણ આપવામાં આવતી નથી, જેનાથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે.ખરાબ રસ્તાના કારણે ઈમરજન્સી સેવાઓ પર પણ માઠી અસર પડી રહી છે. દર્દીની તાત્કાલિક સારવાર માટે જતી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર સ્થળ પર પહોંચી શકતી નથી, જેના કારણે લોકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે.આ રસ્તાની ખરાબ હાલતને લઈને સોશિયલ મીડિયા પર વિડિઓ વાયરલ થયા છે, જેમાં રસ્તાની સ્થિતિ અને લોકોની મુશ્કેલીઓ સ્પષ્ટ જોવા મળે છે. છતાં હજુ સુધી જવાબદાર વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવામાં ન આવતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે.સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા માર્ગ અને મકાન વિભાગને માંગ કરી છે કે સોલર પ્લાન્ટ કંપની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત અને રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવે, જેથી વાહનચાલકોને રાહત મળી શકે અને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય
ખાખરીયા વિસ્તારના એક દર્દીને ઈમરજન્સી સારવાર ની જરૂરી પડી હતી જેને લઇ દર્દીને 108 મારફતે મોડાસા ખાતે લઈ જવા ફરજ પડી હતી દર્દીને 108 મારફતે મોડાસા પહોચાડવા લઈ જતા નહેરુ કંપા થી વણિયાદ સુધી રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ તેમજ રસ્તો ખરાબ હોવાને કારણે 108 ને પણ મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે દર્દીને સમયસર સારવાર મળવામાં મુશ્કેલીઓ વેઠવી પડી હતી ખરાબ રસ્તાને લઈ પરિવારજનો રોષ વ્યક્ત કર્યો હતો





