GODHARAGUJARATPANCHMAHAL

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) : આકસ્મિક મૃત્યુ અને અપંગતામાં રક્ષણ આપતી યોજના

માત્ર રૂ. ૨૦ ના વાર્ષિક પ્રીમિયમ સામે રૂ. ૨ લાખ સુધીની રકમનો અકસ્માત વીમા સુરક્ષા કવચ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ, શુક્રવાર ::* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ થી ૭૦ વર્ષની વયજૂથના વંચિતો અને ગરીબોને આક્સ્મિક જોખમ સામે સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૧૫ થી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અમલી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૩.૦૪ લાખથી વધુ લોકોએ સુરક્ષા વીમા કવચ મેળવ્યું છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અત્યારસુધીમાં કુલ ૩,૦૪,૭૧૪ લોકોએ માત્ર નજીવા વાર્ષિક પ્રીમિયમ સાથે આ યોજનામાં જોડાઈને અનિશ્ચિતતા સામે સુરક્ષાની નિશ્ચિતતા મેળવી છે. વધુમાં યોજના અંતર્ગત અત્યારસુધીમાં અંદાજીત રૂ. ૨.૯૬ કરોડ જેટલી રકમના કુલ ૧૪૮ ક્લેઇમ (દાવાઓ) ની ચૂકવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર રૂ. ૨૦ ના વાર્ષિક પ્રિમિયમ સામે વ્યક્તિને અકસ્માત મૃત્યુ કે સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખ ની રકમનું વીમા કવરેજ આપવામાં આવે છે. જ્યારે આંશિક અપગંતાના કિસ્સામાં રૂ. ૧ લાખ સુધીની રકમનું વીમા કવરેજ આપવામાં આવે છે. આ યોજનામાં ભારતની ૧૮ થી ૭૦ વર્ષની વયજૂથમાં આવતી કોઈપણ વ્યક્તિ નોંધણી કરાવી શકે છે. વીમાધારકની મૃત્યુની સ્થિતિમાં વીમા/ખાતાધારકના નોમીનીને આ યોજનાના હેઠળના દાવાની વીમારાશિ આપવામાં આવે છે. વધુમાં વીમાધારકને યોજનાના લાભ પેટે મળતું સુરક્ષા કવચ સતત ચાલુ રહે તે માટે આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ખાતા ધારકના બેંક એકાઉન્ટમાંથી દર વર્ષની ૩૧ મી મે પહેલા ઓટો ડેબિટ સુવિધા દ્વારા કપાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સામાન્ય પ્રજાને રોજિંદા જીવનમાં આવતા જોખમ સામે સુરક્ષા આપવાના હેતુથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેવી કલ્યાણકારી યોજના અમલી બનાવાઇ છે. લોકોના જીવનની અનિશ્ચિતતાના સંજોગોમાં વ્યક્તિ અને તેના પરિવારને સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દેશના કરોડો લોકોનો સથવારો બની રહી છે.

 

Back to top button
error: Content is protected !!