
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
પ્રાંતિજ ડેપોની ગાંધીનગર–મેઘરજ બસ છેલ્લા દસ દિવસથી અનિયમિત :- વિદ્યાર્થીઓ અને મુસાફરો હેરાન, ડેપો તંત્રની મનમાની સામે રોષ
પ્રાંતિજ ડેપોની ગાંધીનગરથી બપોરે 2.30 વાગ્યે ઉપડતી ગાંધીનગર–મેઘરજ રૂટની બસ છેલ્લા દસ દિવસથી સતત અનિયમિત ચાલતી હોવાના કારણે મુસાફરો અને ખાસ કરીને આઈ.ટી.આઈ. તથા કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.મળતી માહિતી મુજબ આ બસ નિયમિત રીતે ગાંધીનગરથી બપોરે 2.30 વાગ્યે ઉપડવાની હોય છે, પરંતુ ડેપો તંત્ર દ્વારા ક્યારેક બસ બંધ રાખવામાં આવે છે તો ક્યારેક તેને ગાંધીનગરથી માત્ર પ્રાંતિજ સુધી ચલાવી દેવામાં આવે છે. ત્યારબાદ આ બસને અન્ય રૂટ પર મોકલી દેવામાં આવે છે અને સાંજે મોડા છ વાગ્યા પછી જ પ્રાંતિજથી મેઘરજ તરફ રવાના કરવામાં આવે છે.
આ કારણે ગાંધીનગરથી હિંમતનગર, શામળાજી, ઈસરી, રેલ્લાંવાડા અને મેઘરજ સુધી મુસાફરી કરતા મુસાફરો તેમજ આઈ.ટી.આઈ. અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર બસ ન મળતા વિદ્યાર્થીઓને વર્ગોમાં પહોંચવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી છે.આ બાબતે ડેપો મેનેજરને અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી. મુસાફરોનો આક્ષેપ છે કે ડેપોના અધિકારીઓ પોતાની મનમાની કરી રૂટને ટૂંકાવીને બસ ચલાવી રહ્યા છે, જેનાથી મેઘરજ અને શામળાજી વિસ્તારના ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો હેરાન થઈ રહ્યા છે.મુસાફરો અને વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે ગાંધીનગર–મેઘરજ રૂટની બસને નિયમિત રીતે સમયસર અને પૂર્ણ રૂટ પર ચલાવવામાં આવે, જેથી રોજિંદી મુસાફરીમાં થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે.




