ARAVALLIGUJARATMALPURMODASA

માલપુર – પ્રાકૃતિક ખેતીથી સફળતા : ઉભરાણના ખેડૂત પ્રવીણભાઈએ 3 વિઘામાં ઉભું કર્યું આવકવાળું મોડલ ફાર્મ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર – પ્રાકૃતિક ખેતીથી સફળતા : ઉભરાણના ખેડૂત પ્રવીણભાઈએ 3 વિઘામાં ઉભું કર્યું આવકવાળું મોડલ ફાર્મ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ પ્રવીણભાઈ જીવણભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી આજીવિકા વૃદ્ધિ તરફ અનોખી પહેલ કરી છે. માત્ર 3 વિઘા જમીનમાં એક એક ઈંચનો સદુપયોગ કરીને તેમણે સંકલિત પ્રાકૃતિક મોડલ ફાર્મ તૈયાર કર્યું છે, જે આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.પ્રવીણભાઈએ તેમના ખેતરમાં તાઇવાન પિંક જામફળના આશરે 2000 છોડ વાવ્યા છે. સાથે જ વિવિધ પ્રકારની શાકભાજી ખેતી હાથ ધરી છે જેમાં 4 થી 5 જાતના રીંગણ, 4 પ્રકારના ટામેટા, 3 થી 4 જાતના મરચા જેમ કે તીખા, મોળા, પીકાડોળ અને કેપ્સીકમનો સમાવેશ થાય છે. ઉપરાંત ફલાવર કોબી, ડુંગળી, લસણ, મેથી, ગાજર, મૂળા, ધાણા, પાલક જેવા મસાલા પાકો પણ ઉગાડવામાં આવે છે.ખેતરમાં બટાકા, સ્વીટકોર્ન મકાઈ, બે થી ત્રણ પ્રકારના ગલગોટા ફૂલ તથા ઘઉં જેવા પાકો એકસાથે લઈને સંકલિત ખેતીનું સફળ મોડલ ઉભું કરાયું છે. મહત્વની બાબત એ છે કે ખેતીમાં કોઈ પણ પ્રકારના રસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર જીવામૃત, ડ્રિપ સિંચાઈ અને મલ્ચિંગ પદ્ધતિ દ્વારા સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.આ મોડલ ફાર્મમાંથી રોજ તાજા શાકભાજી અને ફૂલોના વેચાણથી રૂ.1500 થી 2000 સુધીની આવક મળી રહી છે. માત્ર બે મહિનામાં જ અંદાજે રૂ.1 થી 1.25 લાખની આવક મેળવી પ્રવીણભાઈએ ઓછા ખર્ચે વધુ આવક મેળવવાનો સફળ રસ્તો દર્શાવ્યો છે. પ્રાકૃતિક ખેતી દ્વારા જોખમ ઘટાડીને આવક વધારવાની તેમની પહેલ વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણાદાયી બની છે.

Back to top button
error: Content is protected !!