Rajkot: નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત રેસકોર્સ ખાતે પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસ યોજાઈ

તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ખેલ મહાકુંભ અને ફિટ ઇન્ડિયાનાં બેનર્સ સાથે રમતવીરો રેલીમાં જોડાયા
Rajkot: હોકીના જાદુગર કહેવાતા શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે દેશભરમાં ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં રેસકોર્સ નજીક બહુમાળી ભવન ખાતે પ્રી-ઈવેન્ટ યોજાઈ હતી જેમાં અંદાજિત ૪૦૦ જેટલા રમતવીરો જોડાયા હતા.
આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસમાં મહાનુભાવશ્રીઓએ રમતવીરોનું સન્માન કરી, રેલીને પ્રસ્થાન કરાવી હતી. કલેકટરશ્રી ઓમપ્રકાશે આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતાં જણાવ્યું હતું કે આવતી કાલે તા.૨૯નાં રોજ “રાષ્ટ્રીય રમત દિવસ” છે. આ દિવસથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશનની શરૂઆત થશે. વિદ્યાર્થીઓ,યુવાનો, તમામ ઉંમરના શહેરીજનો સહિત રમતપ્રેમી નાગરિકો ખેલ મહાકુંભમાં ૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી વધુને વધુ નાગરિકો ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવી રમતગમતમાં આગળ આવે તેમ કલેકટર શ્રી ઓમ પ્રકાશએ આ તકે અપીલ કરી હતી.
આ તકે ઉપસ્થિત મહાનુભાવશ્રીઓએ રમતવીર દેવયાનીબા ઝાલાનું સન્માન કર્યું હતુ.
આ પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી મહેશ જાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ , જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રા, વિવિધ રમતોના કોચ સહિત બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.
બોક્સ
નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની યાદી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા તા.૨૯ ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ રમતો યોજાશે.
તા.૨૯મી ઓગસ્ટે, ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લેવામાં આવશે અને રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે હોકીની ચાર મેચ યોજવામાં આવશે. જેમાં ચાર ટીમના ૪૪ સભ્યો ભાગ લેશે. દરેક શાળામાં પણ ખેલ-કૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ થશે. રાજકોટ મહાનગરની ૯૩૪ શાળાઓ તથા જિલ્લાની અન્ય ૧૬૮૨ શાળાઓ મળીને કુલ ૨૬૧૬ શાળાઓના છાત્રો રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ જૂડો સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ૨૫૦ કોલેજીયનો ભાગ લેશે. મારવાડી તથા આર.કે. યુનિ. દ્વારા પણ વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટી થશે. તા. ૨૯મી ઓગસ્ટે ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. જેમાં શહેરીજનો, જિલ્લાના નાગરિકો જાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત શાળા, કોલેજ, યુનિવર્સિટી દ્વારા પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ, રસ્સા ખેંચની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, કોર્પોરેશન વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેક્ટર કચેરીની પુરુષ ટીમ અને મહિલા ટીમ એમ ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
તા. ૩૧મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામા આવ્યું છે.
મહાનગર પાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવશે. જ્યારે છ નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ૫૦૦થી વધુ લોકો ‘સાયકલ ઓન સન્ડે’માં ભાગ લેશે.







