BANASKANTHADEODARGUJARAT

૭૭ મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે વાવ થરાદ ખાતે તડામાર તૈયારીઓ

કલેકટર કચેરી થરાદ ખાતે પ્રભારી સચિવશ્રી નાગરાજનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

  1. *૭૭ મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે વાવ થરાદ ખાતે તડામાર તૈયારીઓ*

    *કલેકટર કચેરી થરાદ ખાતે પ્રભારી સચિવશ્રી નાગરાજનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ*

*રાજ્યકક્ષાની ઉજવણી અનુરૂપ દરેક વ્યવસ્થા સમયસર, ગુણવત્તાપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સુનિશ્ચિત કરવા સૂચન કરતા સચિવશ્રી નાગરાજન*

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

આગામી તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ- થરાદ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ મહત્ત્વપૂર્ણ રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે વાવ–થરાદ જિલ્લામાં વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આ અન્વયે વાવ-થરાદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી નાગરાજનના અધ્યક્ષસ્થાને આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, થરાદ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગો અને કચેરીઓને સોંપવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કાર્યક્રમ સ્થળની તૈયારી, મંચ વ્યવસ્થા, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, સ્વચ્છતા, પીવાના પાણી, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, ફાયર અને સલામતી વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ મીડિયા અને પ્રસાર વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રભારી સચિવશ્રી નાગરાજને તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી અને રાજ્યકક્ષાની ઉજવણી અનુરૂપ દરેક વ્યવસ્થા સમયસર, ગુણવત્તાપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે ઉજવણી દરમિયાન જનસુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યકક્ષાની ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને યાદગાર અને સફળ બનાવવા માટે સમગ્ર વાવ થરાદ જિલ્લા તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત હોવાનું બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં વાવ – થરાદ જિલ્લા કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી તુષાર જાની સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!