પંચમહાલ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે તંત્રની તડામાર તૈયારીઓ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૧.૨૦૨૬
પંચમહાલ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી હાલોલ ખાતે યોજાવા જઈ રહી છે. આ જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય ઉજવણી કૃષિ રાજ્ય મંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી રમેશભાઈ કટારાના વરદહસ્તે થવાની હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.26 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનાર પંચમહાલ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ હાલોલની એમ એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. કાર્યક્રમને લઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ડોમ, મંડપ સહિતની વ્યવસ્થાઓ અંતિમ તબક્કામાં છે.સવારે 9:00 વાગ્યે રાજ્ય મંત્રી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન અને સલામી આપવામાં આવશે. ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ અને સલામી કૂચ યોજાશે. ઉદબોધન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.આ પ્રસંગે જિલ્લા તેમજ રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રદર્શન દ્વારા જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળીઓને પ્રશસ્તિ પત્રો અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાશે.પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ઉત્સવની ગૌરવસભર ઉજવણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુચારૂ રીતે હાથ ધરવામાં આવી રહી છે.












