બોડેલી માર્કેટ યાર્ડમાં કપાસ વેચાણ મુદ્દે ફરિયાદ બાદ એપીએમસીની પ્રેસ કોન્ફરન્સ

બોડેલી માર્કેટ યાર્ડ ખાતે કપાસ વેચવા આવતા ખેડૂતો પાસેથી વટાવ કાપવામાં આવે છે તેમજ કપાસ ભીનો હોવાનું કહી કડદો કરવામાં આવે છે તેવી ફરિયાદોને લઈને ગઈકાલે કેટલાક ખેડૂતો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની ખેતીમાં પકવેલો કપાસ બોડેલી માર્કેટ યાર્ડમાં વેચવા લાવે છે, જ્યાં વેપારીઓ દ્વારા ભાવ નક્કી કરીને ખરીદી કરવામાં આવે છે. ત્યારબાદ કપાસને સંબંધિત જીનીંગ ફેક્ટરી ખાતે ખેડૂતના ખર્ચે ખાલી કરાવવામાં આવે છે અને ત્યાં કપાસ ભીનો કે નબળો હોવાનું કહી દોઢથી બે ટકા જેટલો વટાવ તથા કડદો કરવામાં આવે છે.આ ફરિયાદોને ધ્યાનમાં લઈને આજે બોડેલી એપીએમસીના ચેરમેન વાલજીભાઈ બારીયા તથા વાઇસ ચેરમેન યશપાલસિંહ ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બોડેલી માર્કેટ યાર્ડમાં સરકારશ્રીના નીતિ-નિયમો અને કાયદા મુજબ જ કપાસની ખરીદી કરવામાં આવે છે અને એપીએમસી દ્વારા કોઈ પણ પ્રકારનો વટાવ કે કડદો કરવામાં આવતો નથી.એપીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કોઈ ખેડૂત સાથે દલાલ કે વેપારી દ્વારા ગેરરીતિ થઈ હોય તો તે ખેડૂત તાત્કાલિક બજાર સમિતિનો સંપર્ક કરે. આવી ફરિયાદ સાબિત થવા પર સંબંધિત દલાલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.બોડેલી એપીએમસી દ્વારા ખેડૂતોને ન્યાય અપાવવા સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અને ખેડૂતોને નિર્ભયતાથી પોતાની ફરિયાદ રજૂ કરવા અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી




