પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદમાં પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદમાં પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો
તાહિર મેમણ- આણંદ- 08/01/2026 – ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ “વાર્તાલાપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં અતિથિ વિશેષ તરીકે આણંદનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા. આણંદ જિલ્લાના લોકપાલ સુનીલ વિજય વર્ગીય અને વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલએ પત્રકારોને સંબોધિત કર્યા હતા.
પ્રારંભમાં PIB ના સહાયક નિર્દેશક શ્રીમતી સુમન મછાર દ્વારા સૌનો આવકાર કરી કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું હતું કે લોકકલ્યાણની નીતિઓ અને યોજનાઓ અંગે જાહેર જનતાને અવગત કરીને તે અંગેના તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી સરકાર અને જનતા વચ્ચે જીવંત પુલ બનવા અપીલ કરી હતી.
આ અવસર પર ઇન્દ્રવદનસિંહ ઝાલા, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર, PIB અમદાવાદ એ VB G RAM G પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેથી યોજના અંગે પ્રવર્તતી ગેરમાન્યતા અને અસંબદ્ધ માહિતીને સંબોધી શકાય અને લોકો સુધી યોજનાની સચોટ માહિતી પ્રસ્તુત કરી શકાય.
કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો તેમજ સરકારી માહિતી મેળવવામાં તેમને પડતી તકલીફો અને પડકારોને સમજવાનો હતો.
આ દરમિયાન મીડિયા સંબંધિત વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનાત્મક અને માહિતીસભર વક્તવ્યો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંત ભાગમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના મહાનુભાવો એ વિસ્તૃતમાં જવાબો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





