

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલા આલિયાબેટમાં જંગલી જાનવરોનો ભય વધી રહ્યો છે. તાજેતરમાં દીપડાએ બે ઊંટના બચ્ચાનો શિકાર કર્યો છે. આ ઘટનાથી ઝૂંપડામાં રહેતા સ્થાનિકો ભયભીત છે.
આલિયાબેટ એક વિશિષ્ટ બેટ છે જે જમીન ધસી પડવા અને કાંપ-માટીના જમાવથી બન્યો છે. અહીં લગભગ 500 કરછી મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. આ સમુદાય 1956ની આસપાસ કરછમાં પડેલા દુષ્કાળ બાદ અહીં સ્થાયી થયો હતો. બેટનું નામ અહીં ઊગતા ‘આલ’ નામના ઘાસ પરથી પડ્યું છે, જે ઊંટો માટે ખૂબ અનુકૂળ હતું.
પાંચ પેઢીથી અહીં રહેતા આ લોકોને હજુ સુધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. બેટ પર વીજળી કે પાણીની સુવિધા નથી. તાજેતરની ઘટનામાં, અંતરિયાળ વિસ્તારમાં ખોરાક લેતા ખારાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો. ઊંટ માલિક જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે મૃત બચ્ચાઓ નજીક દીપડો બેઠેલો જોવા મળ્યો.
આ પહેલા પણ દીપડાએ નીલગાયનો શિકાર કર્યો હતો. વધતા જતા જોખમને જોતાં સ્થાનિકો વન વિભાગ પાસે પાંજરું મૂકવાની માગ કરી રહ્યા છે. જંગલી જાનવરોના ભયથી સ્થાનિકોની સલામતી જોખમમાં મુકાઈ છે.




