
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની 17 પીએમ શ્રી શાળાના આચાર્યોનો સંસદ ભવન પ્રવાસ
— અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને શાળા સંચાલનમાં નવી દૃષ્ટિ વિકસે તે હેતુસર જિલ્લાના 17 પીએમ શ્રી શાળાના આચાર્યો અને શિક્ષકોનો સંસદ ભવન ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે નવી વિચારસરણી અને વહીવટી કુશળતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.પ્રવાસ દરમિયાન અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ આચાર્યોનું સ્વાગત કરી સંસદ ભવનની કાર્યપદ્ધતિ, ઇતિહાસ અને તેની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ 2020ના સફળ અમલીકરણ માટે શાળાઓ અને શિક્ષકોની સક્રિય ભૂમિકા ખૂબ જરૂરી છે.આચાર્યોને સંસદ ભવનની સ્થાપત્યકલા, સંસદીય પ્રક્રિયા અને લોકશાહી વ્યવસ્થાની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષણની ગુણવત્તામાં સુધારો, આધુનિક શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ અને શાળા સંચાલનને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાતના અન્ય સાંસદો સાથે થયેલી મુલાકાતથી શિક્ષણવિદોને સંસદીય લોકશાહી વિશે પ્રાથમિક જાણકારી મેળવવાનો અવસર મળ્યો હતો. આ પ્રવાસ શિક્ષણવિદોમાં રાષ્ટ્રીય એકતા અને લોકશાહી પ્રત્યે ગૌરવની ભાવના વધારતો સાબિત થયો છે.જિલ્લા શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ આયોજનને ભાગ લેનાર આચાર્યો દ્વારા ખૂબ ઉપયોગી ગણાવવામાં આવ્યું હતું અને આવી પહેલ બદલ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે આ મુલાકાતના સકારાત્મક પરિણામો ભવિષ્યમાં જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





