એસ.પી યુનિવર્સિટીના પ્રો.અંજુ કુંજડિયાને રોગો સામે સંશોધન કરવા માટે 91.56 લાખનું અનુદાન મળ્યું

એસ.પી યુનિવર્સિટીના પ્રો.અંજુ કુંજડિયાને રોગો સામે સંશોધન કરવા માટે 91.56 લાખનું અનુદાન મળ્યું
તાહિર મેમણ – આણંદ – 10/12/2024 – વિશ્વભરમાં COVID-19 વાયરસની અસર થયા પછી હૃદય અને રક્તવાહિનીઓ સબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે. આ પ્રકારના રોગોમાં સર્જરી અથવા સારવાર ગંભીર બની શકે સાથે સાથે ખર્ચ પણ ઘણો વધી જતો હોય છે. જો કે, ઘણા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અમુક બેક્ટેરિયા ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. જે રક્તવાહિની રોગો માટે અસરકારક ઉપચાર તરીકે ઉપયોગી બની શકે છે. આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે એપ્લાઇડ એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અંજુ. પી. કુંજડિયાએ ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમ બાહ્ય સપ્લિમેન્ટ માટે રજુઆત કરી છે. જે કુદરતી રીતે આવશ્યક અને ગટ-માઇક્રોબાયોટા સાથે સુસંગત છે. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) ને ભંડોળ માટે જમા કરાયેલ આ સંશોધન દરખાસ્ત ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર (GBRC), ગાંધીનગરના સયુંકત નિયામક ડૉ. અમૃતલાલ કે. પટેલના સહયોગથી GSBTM દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં આ વિષય પર સંશોધન હાથ ધરવા માટે રૂપિયા 91.56 લાખની ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી.છે.
ડૉ. અંજુ પી. કુંજડિયા છેલ્લા 20 વર્ષથી માઇક્રોબીયલ બાયો ટેક્નોલોજીના સંશોધનમાં સક્રિયપણે જોડાયેલા છે. આ સિદ્ધિ વિજ્ઞાનને આગળ વધારવા માટે ડૉ. અંજુ કુંજડિયાના સમર્પણ અને યુનિવર્સિટીમાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા રહેલી છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે ડૉ. અંજુ પી. કુંજડિયાને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલે તેમના પ્રોજેક્ટના આગામી સમયમાં પરિવર્તનકારી પરિણામોની આશા સાથે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ સરદાર પટેલ યુનિવર્સિટીના એપ્લાઇડ અને ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ વિભાગ અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ગાંધીનગર વચ્ચે નવીન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.




