અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતની એકમ કસોટી બાબતે બેઠક યોજાઇ
ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ, શિક્ષણ સચિવશ્રી મુકેશકુમાર સાહેબ, સંસ્કૃત બોર્ડના નવા ચેરમેન પાલીવાલજી અન્ય સંબંધિત અધિકારીઓ, શિક્ષણ વિદની હાજરીમાં બેઠક મળી. જેમાં અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, સહ સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, પ્રાથમિક સંવર્ગ ગુજરાત અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી. મહામંત્રી પરેશભાઈ પટેલ, ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ મહામંત્રી ગુજરાત શ્રી જીતેન્દ્ર ઠાકર ની ઉપસ્થિતિ રહી.
એકમ કસોટી સંદર્ભે સંગઠનને કરેલ સર્વેના તમામ ડેટા વિશ્લેષણ બાદ સંકલન કરેલા તારણો રજૂ કરી ચર્ચા કરવામાં આવી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે બેઠકમાં સૌના સૂચનો મળી રહે તે માટે સંગઠનની માંગ અનુસાર આગામી સમયમાં નિર્ણય કરી યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.આમા સકારાત્મક થાય તેવી પૂરી શક્યતાઓ છે.
ગ્રાન્ટેડ માધ્યમિક જુના શિક્ષકની ભરતી અંગે શિક્ષણ વિભાગમાં તપાસ કરી શિક્ષણમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા ચૂંટણી પંચને દરખાસ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્ણયને આધીન આગામી પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે વિશેષ પ્રયત્ન સંગઠન દ્વારા થઈ રહ્યા છે.
જૂની પેન્શન યોજનાનું વિગતવાર નોટિફિકેશન બહાર પડે છે. હજી સુધી જિલ્લાઓમાં આવેલ માહિતીનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. તે શિક્ષણ વિભાગમાં આવશે ત્યારબાદ નાણા વિભાગમાં જશે. આગામી સમયમાં નાણામંત્રીને મળી આ પ્રક્રિયા ઝડપથી થાય તે અંગે રજૂઆત કરવામાં આવશે. જીપીએફના ખાતા ખોલવા માટે નોટિફિકેશન ખૂબ જ જરૂરી છે. જેની સંગઠને પહેલા રજૂઆત કરેલ છે. આગામી સમયમાં પુન: સ્મરણ કરાવીશું. છતાં પણ આમાં સમય લે તેવું લાગશે તો આગામી રાજ્ય કારોબારીમાં આ અંગે નિર્ણય થશે.
શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 1 4 2005 પહેલા જાહેરાત આવેલ કર્મચારીઓનો ડેટા તથા તેનો નાણાકીય ખર્ચની માહિતી પણ માંગવામાં આવેલ છે. તેમાં પણ મંત્રીશ્રીઓએ આપેલ બાંહેધરી અનુસાર સકારાત્મક થાય તે અંગે ફોલોઅપ થઈ રહ્યું છે.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર માટે કમિશનર કચેરીની દરખાસ્ત શિક્ષણ વિભાગમાં પહોંચી છે. જેમા કમિશનરશ્રીની કચેરી સાથે ચર્ચા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા આગળ વધશે.
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોના ફાજલના કાયમી રક્ષણ ની ફાઈલ મુખ્યમંત્રી કક્ષાએથી ઝડપથી નિર્ણય થાય તે અંગે રજૂઆત કરવામાં આવી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 10 માટે ગણિત અને વિજ્ઞાનના દ્વિસ્તરીય પુસ્તકો અંગે ચિંતન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર તેમાં પણ દ્વિસ્તરીય પુસ્તક દાખલ કરી નિર્ણય થાય તે અંગે શું યોગ્ય છે? તે નક્કી કરવા આગામી સમયમાં બેઠક થશે.
સરકાર દ્વારા જાહેર થયેલ સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી કેલેન્ડર અનુસાર ભરતી કરવામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તથા આગામી સમયમાં પડતી ખાલી જગ્યાઓ માટે પણ અત્યારથી જે કામ શરૂ થાય તે અંગે શિક્ષણ સચિવશ્રીને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી.
કેન્દ્રીયકૃત ભરતીથી જ્ઞાન સહાયક પૂરતા પ્રમાણમાં મળતા નથી. આ જ્ઞાન સહાયક ભરતી વ્યવસ્થા સ્થાનિક કક્ષાએથી (સંગઠનની રજૂઆત અનુસાર) કરવામાં આવે તેવી રજૂઆત કરતા આમાં શિક્ષણ વિભાગ વિચાર કરી રહ્યું છે તેમ જાણવા મળ્યું છે.