GUJARATIDARSABARKANTHA

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જાહેરસભા, સરઘસ કે વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના ઉપયોગને લઈ પ્રતિબંધક હુકમો જાહેર કરાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જાહેરસભા, સરઘસ કે વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના ઉપયોગને લઈ પ્રતિબંધક હુકમો જાહેર કરાયા

******

ગુજરાતના રાજય ચૂંટણી આયોગ ધ્વારા મહાનગરપાલિકા/નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી- ૨૦૨પનો ચૂંટણી કાર્યક્રમ તા.૨૧/૦૧/૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વિજયનગર (૩-બાલેટા અને ૭-ચિઠોડા),પોશીના(૨૦-વીંછી) અને પ્રાંતિજ(6-ઘડી) તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે.તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા.૧૭/૦૨/૨૦૨૫ તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ હાથ ધરાનાર છે.ચૂંટણી પ્રકીયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે.આ લાઉડ સ્પીકરનો નિયત મંચ ઉપરાંત યાંત્રિક રીતે કે બીજી કોઈ રીતે ચાલતા વાહનો ઉપર ગોઠવીને પણ ઉપયોગ કરવામાં આવે છે.ખુબ જ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના આ વાહનો માર્ગો, શેરીઓ અને ગલીઓમાં ફરે છે તેમજ જુદા જુદા ગામોએ વસવાટો, મહોલ્લા, વસાહતો અને લત્તાઓમાં પણ પહોંચે છે. આના કારણે ધ્વની પ્રદુષણ થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આની ખુબ જ પ્રતિકુળ અસર પડે છે. વૃધ્ધો, અશકત અને બિમાર વ્યક્તિઓને પણ ઊંચા અવાજથી ખુબ જ તકલીફ પડે છે. તથા સામાન્ય પ્રજાને ખુબ જ હરકત, અગવડ, ત્રાસ, જોખમ અને ભય થાય છે. આથી ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે. ચૂંટણી જાહેર થયા પછી લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.રતન કંવર ગઢવી ચારણને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે.

(૧) ચૂંટણી પ્રચારના કોઈપણ હેતુ માટે જાહેરસભા કે સરઘરાના હેતુસર કોઈપણ પ્રકારના વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરનો જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાત્રે ૨૨:૦૦ કલાક થી સવારના ૦૮:૦૦ કલાક સુધી ઉપયોગ કરી શકાશે નહિ.

(२) કોઈપણ જાહેર સભા કે સરઘસના હેતુસર સવારે ૦૮:૦૦ કલાકથી રાત્રીના ૨૨:૦૦ કલાક સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો હોય તો તેને માટે સંબંધિત સત્તાધિકારીની અગાઉથી લેખીત પરવાનગી લેવાની રહેશે. આવી પરવાનગી આપતી વખતે સંબંધિત સત્તાધિકારી જાતે ખાતરી કરીને પરવાનગીને લીધે જાહેર શાંતિ જોખમાય નહિ તે સુનિશ્ચિત કરીને આવી પરવાનગી આપશે.

(૩) ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા વાહનો ધ્વારા ફરતાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સક્ષમ અધિકારીની લેખીત પરવાનગી પ્રથમ લેવાની રહેશે. ફરતા વાહનમાં ગોઠવેલ લાઉડ સ્પીકર માટે ઉપયોગ કરવામાં આવતી અરજીમાં વાહનોના પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. જે વાહન માટે પરવાનગી આપી હોય તે વાહન ચાલકે પરવાનગીનો હુકમ વાહન સાથે રાખવો પડશે.

(4) સક્ષમ અધિકારી ધ્વારા ફરતા વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના માટે પરવાનગી પત્ર (પરમીટ) આપવામાં આવે તેમાં વાહનનો પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાના રહેશે.

(૫) ફરતાં વાહનો ઉપર અથવા નિયત સ્થળે ગોઠવવામાં આવેલ કોઈ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આવી પરવાનગી પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારને તે વિસ્તારના પોલીસ મથકને તેમજ સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના ધ્વારા મેળવેલ પરવાનગી પત્ર (પરમીટ)ની સંપુર્ણ અને લેખીતમાં જાણ કરવાની રહેશે.

(6) ફરતા વાહન ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરનો ઉપયોગ ચાલુ વાહને થઈ શકશે નહિ. આવા કિસ્સામાં વાહનને કોઈ સ્થળે ઉભું રાખી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે.આ હુકમ ૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ સજા/ દંડને પાત્ર થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!