GUJARATSAGBARA

હલગામ પાડી–ઉમરપાડા વચ્ચે જંગલ જમીન મુદ્દે પ્રોટેક્શન વોલથી ખેડૂતોમાં નારાજગી, સરકાર પાસે ન્યાયની માંગ

હલગામ પાડી–ઉમરપાડા વચ્ચે જંગલ જમીન મુદ્દે પ્રોટેક્શન વોલથી ખેડૂતોમાં નારાજગી, સરકાર પાસે ન્યાયની માંગ

વાત્સલ્યમ્ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ પાડી અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સરહદે આવેલા જંગલ જમીન વિસ્તારમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. વન વિભાગ દ્વારા વિવાદિત વિસ્તારમાં ટ્રેન્ચ ખોદી દેવામાં આવતા સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી જંગલ જમીનના હકોને લઈને વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે, છતાં તેમની રજૂઆતોને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી અને હવે ટ્રેન્ચ ખોદવામાં આવ્યુ છે જેના કારણે ખેતીના હકો પર અસર થઈ રહી છે.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ અથડામણ નહીં, પરંતુ કાયદેસર અને ન્યાયપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. તેમણે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને આદિવાસી ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને તેમની રજૂઆતો સાંભળવામાં આવે.

બીજી તરફ, સમગ્ર મામલે વન વિભાગ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હાલ વિસ્તારમાં સ્થિતિ પર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે યોગ્ય નિર્ણય અને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!