
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માંડવી કોલેજના 6 NCC કેડેટ્સની ભારતીય સંરક્ષણ દળોમાં ગૌરવપૂર્ણ પસંદગી
રતાડીયા,તા.31: સરહદી જિલ્લા કચ્છના યુવાનોમાં દેશદાઝ રગેરગમાં ભરેલી છે, જેનો જીવંત પુરાવો માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ આપ્યો છે. કોલેજના NCC યુનિટના 6 તેજસ્વી કેડેટ્સની ભારતીય સંરક્ષણ દળો (BSF, CRPF અને CISF) માં પસંદગી થતા સમગ્ર કચ્છ પંથકમાં ગૌરવની લહેર પ્રસરી ગઈ છે. આ સિદ્ધિ માત્ર કોલેજ માટે જ નહીં પરંતુ રાષ્ટ્ર સેવામાં જોડાવા માંગતા દરેક યુવાન માટે એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે.
રાષ્ટ્ર રક્ષા કાજે પસંદગી પામેલા નવલોહિયા કેડેટ્સમાં કોલેજના શિસ્તબદ્ધ તાલીમ પામેલા નીચે મુજબના કેડેટ્સ હવે દેશની સરહદો સાચવશે:
* ધલ રિતિક બણવંતસિંહ (BSF)
* ગઢવી દેવાંધ ગોપાલભાઈ (BSF)
* ગઢવી વિજય ભોજરાજભાઈ (BSF)
* ગઢવી ગોવિંદ જીવરાજભાઈ (BSF)
* ગઢવી અરજણ દેવાંધભાઈ (CRPF)
* ગઢવી નિલેશ કમાભાઈ (CISF)
માંડવી કોલેજના NCC યુનિટની શિસ્તબદ્ધ તાલીમનું જ આ પરિણામ છે કે છેલ્લા 10 વર્ષમાં 70 થી વધુ વિદ્યાર્થીઓ ભારતીય સેનાના વિવિધ અંગોમાં જોડાયા છે. આ પ્રસંગે લેફ્ટનન્ટ ડૉ. મહેશકુમાર બારડએ જણાવ્યું હતું કે NCC કેડેટ્સમાં શિસ્ત અને દેશપ્રેમની જે ભાવના કેળવાય છે તે જ તેમને સફળતાના શિખરે પહોંચાડે છે.
આ ઐતિહાસિક સફળતાને વધાવવા માટે કોલેજ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મુંબઈથી પધારેલા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદિત્યભાઈના ભગિની પૂર્ણાબેનના હસ્તે તમામ સફળ કેડેટ્સને રોકડ પુરસ્કાર, શાલ અને પવિત્ર ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદિત્યભાઈ, મંત્રીશ્રી ડૉ. જે.સી. પટેલ અને પ્રિન્સિપાલ ડૉ. મહેશ બારડ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે યુવાનો માટે દેશસેવા એ જ સર્વોપરી ધર્મ છે. આ 6 કેડેટ્સની સફળતા કચ્છના હજારો કોલેજિયન વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે કે મહેનત અને મક્કમ નિર્ધાર હોય તો ભારતીય સેનામાં જોડાઈને માતૃભૂમિની સેવા કરવાનું સપનું ચોક્કસ સાકાર કરી શકાય છે.







વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



