
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં શામગહાન સ્ટેટ બેંકમાં કેવાયસી માટે ગ્રાહકોને ધક્કા ખાવા પડી રહ્યા છે, બ્રાન્ચ મેનેજરની અહંકારભરી હુકમશાહી સામે જનરોષ ભભૂકી ઉઠ્યો.. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર,ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ખાતે આવેલી State Bank of India (સ્ટેટ બેંક) શાખામાં હાલ અરાજકતા અને બેદરકારીનો માહોલ છવાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.શાખાના બ્રાન્ચ મેનેજર જીગર ટેલર દ્વારા સામાન્ય જનતા તેમજ સરકારી કર્મચારીઓ સાથે અહંકારભર્યું, ઉદ્ધત અને અસંવેદનશીલ વર્તન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.જેમા દક્ષિણ વન વિભાગ હેઠળની શામગહાન રેન્જમાં કાર્યરત જંગલ મંડળીઓના હોદેદારો અને ગરીબ મજૂરો છેલ્લા પંદર દિવસથી કેવાયસી પ્રક્રિયા માટે બેંકના ધક્કા ખાઈ રહ્યા છે.વારંવાર રજૂઆત કરવા છતાં કેવાયસી પૂર્ણ ન થવી એ બેંક તંત્રની ઘોર બેદરકારી અને બ્રાન્ચ મેનેજર જીગર ટેલરની નિષ્ઠુરતા દર્શાવે છે.ગ્રાહકોનો ખુલ્લો આક્ષેપ છે કે બ્રાન્ચ મેનેજર દ્વારા જાણબૂઝી કામ ટાળવામાં આવે છે, ફાઈલો હાથમાં લેવાની તસ્દી લેવાતી નથી અને પ્રશ્ન પૂછનારને તોછડા શબ્દોમાં અપમાનિત કરવામાં આવે છે.પરિણામે ગરીબ અને આદિવાસી લોકોનો સમય, નાણાં અને માન-સન્માન બન્નેનો ભોગ લેવાઈ રહ્યો છે.અત્રે નોંધનીય છે કે ડાંગ જિલ્લાનો મુખ્ય તહેવાર હોળી નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો વન મંડળીઓની કેવાયસી સમયસર પૂર્ણ નહીં થાય તો મજૂરોની મહેનતની કમાણી અટકી જશે. તહેવાર પહેલા પરિવારના પેટના પ્રશ્નો ઉભા થવાની ભીતિ વચ્ચે બેંક મેનેજર જીગર ટેલરની નિર્દય નિષ્ક્રિયતા લોકોમાં ઉકળાટ ફેલાવી રહી છે.આ બેંક મેનેજરના બેજવાબદાર અને દાદાગીરીભર્યા વર્તનથી જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો શામગહાન સ્ટેટ બેંકના બ્રાન્ચ મેનેજર જીગર ટેલરની તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે અને જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં બેંક સામે ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવામાં આવશે.આ સમગ્ર ઘટનાને લઈ રાજ્યસ્તરના સ્ટેટ બેંકના વડા અધિકારીઓ તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર તાત્કાલિક હસ્તક્ષેપ કરે, અન્યથા આ મુદ્દો જિલ્લાભરમાં વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરશે તેવી લોકચેતવણી ઉચ્ચારાઈ છે.
તસ્વીર:– પ્રતિકાત્મક





