શહેરાના ડોકવા ગામે MGVCL દ્વારા જનજાગૃતિ શિબિર યોજાઈ: સ્માર્ટ મીટર અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત સમજ અપાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) શહેરા-૧ પેટા વિભાગીય કચેરી દ્વારા ગ્રાહક લક્ષી અભિગમ અપનાવી ડોકવા ગામે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી ઈજનેર આકાશ માણિયા અને તેમની ટીમ દ્વારા ગ્રામજનોને વીજ કંપનીની વિવિધ યોજનાઓ અને સ્માર્ટ મીટર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ કરીને વીજ ચોરી અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. નવા ઘર વપરાશના કનેક્શન મેળવવાની સરળ પ્રક્રિયા, સરકારશ્રીની ઝુંપડપટ્ટી યોજના તેમજ એસ.સી.એસ.પી. (SCSP) યોજના હેઠળ મળતા લાભો વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત, નવા ખેતીવાડી કનેક્શન માટેની અરજી પ્રક્રિયા વિશે પણ વિગતવાર સમજણ આપવામાં આવી હતી.હાલમાં ચર્ચામાં રહેલા સ્માર્ટ મીટર વિશે ડેપ્યુટી ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર એ ગ્રાહકોના હિતમાં છે. તેના ફાયદા અને ઉપયોગો સમજાવતા તેમણે ઉમેર્યું કે તેનાથી સચોટ બિલિંગ અને વીજ વપરાશ પર નિયંત્રણ રાખી શકાય છે. સ્થળ પર જ સ્માર્ટ મીટરની કાર્યપદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડોકવા ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યો અને ગામના ૧૦૦થી વધુ જાગૃત નાગરિકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓની સમજાવટ બાદ અનેક ગ્રાહકોએ પોતાનું જૂનું વીજ દેવું ભરપાઈ કરી નવા કનેક્શન મેળવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેપ્યુટી ઈજનેર આકાશ માણિયા અને MGVCLના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






