વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા આહવા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પગલાથી આહવાના વિકાસને નવી ગતિ મળશે અને સ્થાનિક નાગરિકોને ઉત્તમ જાહેર સુવિધાઓ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.સાંસદ ધવલ પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, ડાંગ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું આહવા ગામ હાલમાં ઝડપથી વિકસી રહ્યું છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આહવા ગામની વસ્તી આશરે ૧૨,૦૦૦ હતી, જ્યારે હાલની અંદાજિત વસ્તી ૨૨,૦૦૦થી વધુ છે. વસ્તી વૃદ્ધિ ઉપરાંત, આહવામાં શૈક્ષણિક, આરોગ્ય, વાણિજ્ય અને વહીવટી પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે.વધુમાં, રજૂઆતમાં જણાવાયું છે કે આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય વહીવટી કેન્દ્ર છે અને આદિવાસી સાંસ્કૃતિક તહેવાર “ડાંગ દરબાર” માટે પણ તે ખૂબ જાણીતું છે. આદિવાસી સમાજના લોકોના જીવનધોરણમાં સુધારો કરવા તેમજ વિકાસના નવા દરવાજા ખોલવા માટે આહવાને નગરપાલિકાનો દરજ્જો આપવો એ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, આહવા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાની મંજૂરી આપવી તે યોગ્ય રહેશે તેમ સાંસદ ધવલભાઈ પટેલે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે.આ પ્રસ્તાવ જો મંજૂર થાય તો આહવાના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે અને સ્થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો જોવા મળશે…