
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાનું NSS યુનિટ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા તેમજ હીરક મહોત્સવના કન્વીનર ડો. અમિત ધનેશ્વરના અધ્યક્ષતા હેઠળ રક્તદાન કેમ્પ યોજાય ગયો. આ કેમ્પમાં કુલ ૬૬ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિધાર્થીઓ, સ્ટાફ તેમજ ભૂતપૂર્વ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ અને સંસ્થા વતી રક્તદાતાઓને પાણીની બોટલ, ચકલીનો માળો, ટોપી,સંજીવની કીટ અને શોપિંગ બેગ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર રક્તદાતાનું રક્ત એકત્ર કરવા માટે વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમ આવી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં સંસ્થાના NSS પ્રોગ્રામ અધિકારી શ્રી નિરલ પટેલે જણાવ્યું હતું કે એક વાર કરેલું રક્તદાન અલગ અલગ ત્રણ લોકોને જીવનદાન આપી શકે છે, તેમજ તેમણે એ પણ ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો થકી વિધાર્થીઓને સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા પણ મળશે અને સમાજ માટે કંઈક કર્યાનો સંતોષ પણ મળશે. આ પ્રસંગે અશોકભાઈ, તેમની ટીમના સભ્યો તેમજ સંસ્થાના NSS ના વિધાર્થીઓ અને સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


