પ્રેસનોટ રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
કચ્છમાં “જ્ઞાન સહાયક” ભરતીના સમયપત્રક પર સવાલ : ભરતીના ક્રમમાં ફેરફાર કરી કચ્છના શિક્ષણનું હિત જાળવવા માંગ
મુંદરા, તા. 14 : જિલ્લા શિક્ષણ અધિકારી કચ્છ દ્વારા જ્ઞાન સહાયક ભરતી માટે તા. 16 ઓક્ટોબર 2025ના રોજ શાળા પસંદગી કેમ્પ યોજવાનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સવારે 10 વાગ્યે માધ્યમિક વિભાગ અને બપોરે 3 વાગ્યે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ભરતી રાખવામાં આવી છે.
પરંતુ સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ ઉચ્ચતર માધ્યમિકની ભરતી કરવામાં આવે પછી માધ્યમિકની ભરતી થવી જોઈએ. આ વિપરીત ક્રમથી અનેક શૈક્ષણિક અને વ્યવસ્થાપન સંબંધિત મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.
કચ્છ જિલ્લામાં અનેક ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બન્ને વિભાગમાં ક્વોલિફાઇડ છે. જો સવારે માધ્યમિકમાં નિમણૂક મળી જાય અને બપોરે ઉચ્ચતર માધ્યમિકમાં પણ એ જ ઉમેદવારને ઓર્ડર મળે તો તે સ્વાભાવિક રીતે ઉચ્ચતર માધ્યમિકમાં જોડાશે. આનાથી સીધું પરિણામ એ આવશે કે માધ્યમિકની ઘણી જગ્યાઓ માત્ર ગણતરીના કલાકોમાં જ “ભરાયેલી” બતાવ્યા બાદ ફરીથી ખાલી પડશે જેના કારણે કચ્છના બાળકોનું શિક્ષણ ફરીવાર ખોરવાશે.
આથી અનેક શિક્ષણપ્રેમી વર્ગોમાં ચર્ચા છે કે આ આખી પ્રક્રિયા કચ્છમાંથી બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા માટેની પૂર્વયોજિત રમતનો ભાગ છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં જ શિક્ષણ વિભાગના નિયામકશ્રીએ કચ્છમાંથી બદલી પામેલ શિક્ષકોને છુટા કરવા પર રોક લગાવતા આદેશ કરેલ છે. જે સરકારનું આવકાર દાયક પગલું છે. અને ભરતીની તારીખ ખાસ કરીને વેકેશનના આગલા દિવસે રાખવી એ પણ આવી આશંકાને વેગ આપે છે.
અગાઉ પણ શિક્ષણ સહાયકની ભરતી વખતે આવો જ અનિયમિત ક્રમ અપનાવવાથી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 વચ્ચે અસ્થિરતા સર્જાઈ હતી. જો પ્રથમ ઉચ્ચતર માધ્યમિક ભરતી થાય અને બાદમાં માધ્યમિક ભરતી કરવામાં આવે, તો આવી સમસ્યાઓ સર્જાય જ નહીં.
વેકેશનના આગલા દિવસે ઉતાવળમાં ભરતી કરવાની શું જરૂર છે? વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રથી ભરતી કરવામાં આવે તો વધુ પારદર્શિતા અને શૈક્ષણિક સત્યતા જળવાઈ શકે. અને તો જ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીના “સત્ય મેવ જયતે” નો મુદ્રાલેખ પણ સાર્થક થયો ગણાય.
કચ્છના શિક્ષણના હિતને પ્રાથમિકતા આપવી એ દરેક અધિકારી અને સંસ્થાની જવાબદારી છે. રાજ્ય સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ભરતી ક્રમમાં સુધારો કરી “પ્રથમ ઉચ્ચતર માધ્યમિક બાદ માધ્યમિક” ભરતીનો નિયમ અમલમાં લાવે એવી માગ ઉઠી રહી છે.
કચ્છના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તંત્રે આ બાબત ગંભીરતાથી વિચારવી જરૂરી છે, જેથી સ્વાર્થી તત્વોની રમતને રોકી શકાય અને કચ્છના શિક્ષણનું ગૌરવ અખંડિત રહે.
ઉચ્ચતર માધ્યમિક જ્ઞાનસહાયક યાદી કચ્છ Secondary_Merit_KUTCH
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com