
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લ્યો બોલો ! આહવા તાલુકા પંચાયતનાં એ.પી.ઓ. ધર્મેન્દ્ર ટંડેલ દ્વારા આહવા તાલુકામાં મનરેગાની યોજનામાંથી રેલવેનું કામ કરી નાખ્યુ.આહવા તાલુકા પંચાયતનાં વિસ્તારમાં આઝાદીકાળથી રેલવેનું નામ-નિશાન જ નથી તેમ છતાંય કામ થતા હાસ્યાસ્પદ ભ્રષ્ટાચાર બહાર આવ્યો..! હાલમાં જ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં એ.પી.ઓ. દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય તેવા આક્ષેપ થયા હતા.ત્યારે આ એ.પી.ઓ.પર ભ્રષ્ટાચારનાં પણ આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં એ.પી.ઓ. ધર્મેન્દ્ર ટંડેલે આહવા તાલુકામાં નરેગામાંથી રેલવેનું કામ કરી નાખ્યું છે.જોકે અહીં હાસ્યાસ્પદ વાત એ છે કે જ્યાં રેલવેનું કામ કરવામાં આવેલ છે ત્યાં તો ઇતિહાસમાં કે આઝાદીકાળથી રેલવેનુ નામ-નિશાન જ નથી.ત્યારે ત્યાં કઈ રીતે કામ કરવામાં આવેલ છે તે પ્રશ્ન બની ગયો છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતના એ.પી.ઓ. ધર્મેન્દ્ર ટંડેલ દ્વારા મનરેગા યોજના હેઠળ ૫.૩૬ લાખના ખર્ચે ગોંડલવિહિર ગામે રેલવે સંબધિત બે કામ કરવામાં આવેલ છે.તેવી ઑનલાઇન માહિતી સરકારી વેબસાઈટ પર જોવા મળે છે.જોકે હકીકતમાં તો ગોંડલવિહિર ગામે રેલવેનું નામ – નિશાન જ નથી.ત્યારે મનરેગા યોજના હેઠળ ત્યાં રેલવે સંબધિત કામગીરી કઈ રીતે કરવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.તેમજ જો અહીં રેલવે સંબધિત કામગીરી થઇ જ ન શકતી હોય તો ૫.૩૬ લાખ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલ છે તે પણ તપાસનો વિષય બની ગયો છે.અહીં ઉલ્લેખનીય છે કે,હાલમાં જ ડાંગ જિલ્લાના મોરઝીરા ખાતે મનરેગા યોજના હેઠળ જમીન લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યુ હતુ.મોરઝીરા ગામે 9 જેટલા કામોના મસ્ટરો ચાલી રહ્યા છે પરંતુ બે દિવસથી ત્યાં એક પણ મજૂર કામ કરવાનાં અર્થે હાજર જોવા મળતા નહોતા. ત્યારે આ બાબતે આહવા તાલુકા પંચાયતનાં એ.પી.ઓ તરીકે ફરજ બજાવતા અધિકારી ધર્મેશ ટંડેલને ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર જાણ કરવા માટે ગયા હતા.ત્યારે એ.પી. ઓ .દ્વારા રાકેશભાઈ પવાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને તેમની સાથે જ ઝઘડો કરવામાં આવ્યો હતો અને ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે આ અંગે એ.પી.ઓ. વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવારે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ એપીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સામે પણ રાકેશભાઈ પવાર સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરીને બોલચાલ કરીને ત્યાંથી જતા રહ્યા હતા.ત્યારે આમ હાલમાં આ એ.પી.ઓ. ધર્મેન્દ્ર ટંડેલ સતત વિવાદમાં જોવા મળી રહ્યા છે.જેના કારણે તેમની કામગીરી પણ શંકા ઉપજાવનારી જોવા મળી રહી છે.ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે…
બોક્ષ:-ધર્મેન્દ્ર ટંડેલ-એપીઓ આહવા તાલુકા પંચાયત.. આ બાબતે આહવા તાલુકા પંચાયતનાં મનરેગાનાં એ.પી.ઓ ધર્મેન્દ્રભાઈ ટંડેલ દ્વારા જણાવ્યુ હતુ આ કામો 2019નાં છે.અને ઓનલાઈન રિપોર્ટ કાર્ડમાં પ્રોબ્લેમ હોવાનાં પગલે આ ઈસ્યુ દેખાઈ છે.જેમાં ગોંડલવિહીર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગોટામેટલનું કામ સરકારનાં નીતિનિયમો મુજબ થયુ છે.અહી ગોટામેટલનાં કામનાં નામની જગ્યાએ રેલવેનું કામ રિપોર્ટકાર્ડનાં ઈસ્યુનાં પગલે દેખાઈ છે.જેમાં અમારી કોઈ ભૂલ નથી.આ ઈસ્યુ ડાંગ જિલ્લામાં જ નહીં પરંતુ ઓનલાઈન રિપોર્ટ કાર્ડનાં ખામીનાં કારણે દરેક જિલ્લાની મનરેગા સીટ રિપોર્ટ કાર્ડમાં રેલવેનું કામ સ્ક્રીન પર દેખાઈ છે.અમોએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી.અમોએ નીતિ નિયમો મુજબ કામો પૂર્ણ કર્યા છે.ડાંગ કોંગ્રેસ યુવક પ્રમુખ રાકેશભાઈ પવાર અંગત અદાવત રાખી અમોને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે.





