વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં પુરના પાણી ઓસરતા વહીવટી તંત્રની ટીમો નુક્શાનીના સર્વે માટે તૈનાત :*
રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ખાબકેલા સાંબેલાધાર વરસાદ બાદ, હવે વરસાદે પોરો ખાતે જનજીવન ફરી ધબકતુ થયુ છે.
ગત બે દિવસ દરમિયાન આ વન પ્રદેશમાં આભ ફાટયું હોય તેવો માહોલ ખડો થવા પામ્યો હતો. જિલ્લાની લોકમાતાઓ અંબિકા, ગીરા, પૂર્ણાં, ખાપરી, અને ધોધડ નદી સહિત નાના મોટા કોતરો વરસાદી પાણીથી ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યાં હતા. ગ્રામીણ માર્ગો, કોઝ વે પણ ઓવર ટોપિંગ થતા માર્ગો અવરોધાયા હતા. તો ઘાટ સેક્શનમાં ભુસ્ખલન, માટી અને વૃક્ષોનો મલબો માર્ગો ઉપર ધસી આવતા વાહન વ્યવહાર અને જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. પરંતુ આ લખાય છે ત્યાં સુધી એટલે કે છેલ્લા અઢાર કલાક દરમિયાન આ વન પ્રદેશમાં નહિવત વરસાદ થતા, ફરીથી અહીંનું જનજીવન ધબકતુ થવા પામ્યુ છે.
આજે સવારે છ વાગ્યાની સ્થિતિએ જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં આહવા ખાતે ૧૧૪ મી.મી. (મોસમનો કુલ ૨૫૦૩ મી.મી.), વઘઈ ખાતે ૩૪ મી.મી. (કુલ ૨૨૩૧ મી.મી.), અને સુબિર ખાતે ૩૮ મી.મી. (મોસમનો કુલ ૨૧૪૯ મી.મી.) વરસાદ નોંધાતા, અહીં કુલ ૬૨ મી.મી. વરસાદ (કુલ ૨૨૯૪ મી.મી.) નોંધાયો છે. જ્યારે ગઈ કાલ બપોરના ૧૨ વાગ્યાથી આજ સવારે છ વાગ્યા સુધીના અઢાર કલાકમાં અહીં માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાતા નદી કાંઠાના ગામો સહિત હેઠવાસના નવસારી જિલ્લાએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ડાંગ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ નુક્શાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે. આજ સવારે આઠ વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયતના એકમાત્ર ઘોડવહળ વી.એ. રોડ સહિતના તમામ માર્ગો યાતાયાત માટે ખુલ્લા થવા પામ્યા છે. જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાન સમગ્ર સ્થિતિ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. તો જિલ્લાના જન પ્રતિનિધિઓ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ તથા સ્થાનિક ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ પણ પરિસ્થિતિનો તાગ મેળવી દિશાસૂચન કરી રહ્યા છે.