ભરૂચ શક્તિનાથ નજીક આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે “અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ”ના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું છે.



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શક્તિનાથ નજીક આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે “અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ”ના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યાહ્ન ભોજન યોજના, જે હવે “પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના” તરીકે ઓળખાય છે, તેનું અમલ વર્ષ 2022થી શરૂ થયો છે. જોકે આ યોજનાની શરૂઆત 1984થી થઈ હતી અને તે સમયે આ યોજના “જવાહર રોજગાર યોજના” સાથે જોડાયેલ હતી. આ યોજનામાં રસોઈયા, મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર રૂ. 2500 થી રૂ. 4500 સુધીનું માનદ વેતન મળે છે.
આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025 ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણાં, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે. દરેક જિલ્લા કલેક્ટરશ્રીને દેશના વડા પ્રધાનને સંબોધિત આવેદનપત્ર મોકલાશે.સાથે-સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે. ખાસ કરીને ભરૂચના ઝઘડીયા તાલુકામાં એક કેન્દ્રિય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને 40થી 100 કિલોમીટર દૂરથી વહેલી સવારે 3 વાગે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમયસૂચિ અને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ 72 તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે.




