Rajkot: રાજકોટમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવા સૂચના આપતાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે.ગૌતમ
Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જેના અનુસંધાને આજે કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ આનુષંગિક વ્યવસ્થાઓ અંગે સંબંધિત કચેરીઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે કાર્યક્રમનું શિડ્યુલ, સંચાલન, સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો, વ્યક્તિ વિશેષ અને કર્મયોગીઓનું સન્માન, આમંત્રણ પત્રિકા, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કૃતિઓ, વીજ પુરવઠો, વ્હીકલ પાર્કિંગ, વૃક્ષારોપણ, પ્લાટુન, પ્રાથમિક સારવારની સુવિધાઓ સહિતના મુદ્દાઓ વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, તેમણે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવા તેમજ પોલીસ વિભાગના સાયબર અવેરનેસ, વન વિભાગના રોપા વિતરણ, સંકલિત બાળ વિકાસ યોજના અને આરોગ્ય કચેરીના સ્ટોલ બાબતે સૂચના આપી હતી.
આ તકે પ્રાંત અધિકારી શ્રી વિમલકીર્તિ ચક્રવર્તી, મામલતદાર શ્રી કે.જી.સખીયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર શ્રી એમ.કે.ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષીતભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી.જાડેજા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રા, પી.એસ.આઇ. શ્રી વી.કે.સુરાણી, એક્ઝિક્યુટિવ એન્જીનીયર શ્રી એચ.એમ.ભોજાણી, આરોગ્ય અધિકારી શ્રી પી.કે.સિંઘ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.