GUJARATJETPURRAJKOT

Rajkot: નાગરિકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ નિયત સમય મર્યાદામાં લાવવા કલેક્ટરશ્રીની સૂચના

તા.૧૬/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન-૨૦૨૪ માસની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ સિવિલ હોસ્પિટલ ખાતે લોકો માટે વ્યવસ્થાઓ કરવા તથા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી. સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ રાજકોટ જિલ્લામાં દૂધ અને મીઠાઈના નમૂના લેવા તેમજ અખાદ્ય પદાર્થો પકડવા સરપ્રાઈઝ ચેકીંગ કરવા વિષે, સિવિલ હોસ્પિટલ ખાતે અસામાજિક તત્વોને રોકવા અંગે સિકયોરિટી વધુ મજબૂત કરવા, તબીબોની સુરક્ષા જેવા પ્રશ્નો હલ કરવા, તેમજ સિવિલ હોસ્પિટલમાં અન્ય વ્યવસ્થાઓ વિષેની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.

ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળાએ સૂચિત સોસાયટીને કાયમી કરવાની કામગીરી તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ બેડી, બેડલા, પારેવડા ગામે પૂરતું પાણી પહોંચાડવા વિષે રજૂઆત કરી હતી.

કલેકટરશ્રીએ સર્વે અધિકારીઓ-કર્મચારીઓને સારી રીતે ચૂંટણી ફરજ નિભાવવા બદલ બિરદાવ્યા હતા. સંકલન બેઠકમાં કોલેજ, આઇ.ટી.આઇ., શાળાઓમા ફાયર એન.ઓ.સી- બી.યુ્, જમીન સંપાદન, દબાણ હટાવ, જી.આઇ.ડી.સી.માં પાણીના નિકાલ, ટ્રાફિક, ગૌચરની જમીન, કરુણા એમ્બ્યુલન્સની સંખ્યા વધારવા વિષે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગેમઝોનના હતભાગીઓના પરિવારજનોને વિવિધ યોજનાઓના લાભ આપવા અને પી.જી.વી.સી.એલ.ના ગ્રાઉન્ડ લેવલ કર્મચારીઓના આરોગ્યની તપાસ વિષે આયોજન તેમજ નિયત સમયમાં તેમના લાભો સર્વેને મળે તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ ખુલ્લા બોરવેલ બંધ કરાવવા વિશેષ સર્વે હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવા પર ખાસ ભાર મૂકયો હતો. અને આગામી “વિશ્વ યોગ દિન’ની ઉજવણી માટે સ્થળ તેમજ આનુષંગિક વ્યવસ્થા સંબંધિત કામગીરી અને શેરીબાળકોને ખાસ શાળાઓમાં પ્રવેશ અપાવી તેમના નિવાસની વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવા જણાવ્યું હતું. શહેરમાં વિકસતા નવા વિસ્તારોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ઈશ્વરીયા ખાતે નવા અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરવા વિષે પણ આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધીએ સૌને આવકાર્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, રૂડાના સી.ઈ.ઓ.શ્રી મિયાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણી, પી.ડી.યુ.હોસ્પિટલના તબીબી અધિક્ષક શ્રી આર.એસ.ત્રિવેદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, સ્ટેમ્પ ડયુટી ડેપ્યુટી કલેક્ટર શ્રી બી.એ.અસારી, ડેપ્યુટી ડી.ડી.ઓ. શ્રી હર્ષદ પટેલ અને શ્રી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારીઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!