Rajkot: વિંછીયા તાલુકાના ભોયરા ગામના આદિત્યની હૃદયની જન્મજાત ખામી દૂર કરાઇ
તા.૧૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળતા પરિવારે આભાર માન્યો
Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભોયરા ગામમાં રહેતા આદિત્યને જન્મથી જ હૃદયમાં ખામી હતી. આદિત્યને ભાવનગરની એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સમયસર, સઘન અને નિ:શુલ્ક સારવાર આપીને આ ખામી દૂર કરવામાં આવી હતી.
વિંછીયા તાલુકાના ભોયરા ગામના શ્રી પ્રવિણભાઇ મકવાણાના ઘરે વર્ષ ૨૦૧૮માં તા. ૧૫ જૂનના રોજ દીકરા આદિત્યનો જન્મ થયો હતો. બાળકનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતાને પોતાના સંતાનને કંઈક તકલીફ હોવાનું જણાતું હતું. ગત તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે. (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમના શ્રી ડો. સાગર સાંબડ અને શ્રી ડો. રિપલ વીરજાએ આદિત્યનું સ્ક્રિનિંગ કરતા તેને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાઈ હતી. આથી, તેને ભાવનગરમાં એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં નિષ્ણાત તબીબોએ બાળકને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી હતી.
સર્જરીની વાત સાંભળતા આદિત્યના માતા-પિતા તો ચિંતિત થઈ ગયા કે ઓપરેશનનો આટલો મોટો ખર્ચ કાઢવો ક્યાંથી? પરંતુ આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી નિ:શુલ્ક કરવામાં આવશે, તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો હતો. ગત તા. ૧૩ મેના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા આદિત્યની સર્જરી કરવામાં આવી હતી. ખુશીની વાત છે કે હાલ આ બાળક એકદમ તંદુરસ્ત છે. સમગ્ર પ્રક્રિયામાં આર.બી.એસ.કે. ટીમ અને હોસ્પિટલના તબીબો સતત માર્ગદર્શક અને સહાયરૂપ બન્યા, તે બદલ આદિત્યના પરિવારજનોએ આભારનો ભાવ વ્યક્ત કર્યો હતો, તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.