GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’’ ‘સ્વામિત્વ’ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં તમામ ૫૭૩ ગામોમાં ડ્રોન સર્વે ૧૦૦ ટકા પૂર્ણ

તા.૧૯/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખનઃ સંદીપ કાનાણી

૫૦૦ ગામોમાં પ્રમોલગેશન પ્રક્રિયા સંપન્ન; અત્યાર સુધીમાં ૫૬,૮૮૨ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા

રાજ્યમાં મહેસૂલી સુધારાથી ગ્રામીણ નાગરિકોને વિનામૂલ્યે મળી રહ્યા છે મિલકતના અધિકાર

Rajkot: ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કામગીરી વધુ અસરકારક બને અને સાથે સામાન્ય માણસોની સુખાકારી વધે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગવા અભિગમ સાથે અનેક પ્રોજેક્ટ-યોજના અમલી બનાવી છે. આવી જ એક યોજના એટલે સ્વામિત્વ. જેમાં ગામડામાં ડ્રોનથી મિલકતોનું સર્વેક્ષણ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનમાં આ યોજનાનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે. આ યોજનાની અમલવારીમાં રાજકોટ જિલ્લો અગ્રેસર રહીને કામગીરી કરી રહ્યો છે.

મહેસૂલી સુધારાઓમાં સ્વામિત્વ યોજના ક્રાંતિકારી છે. જિલ્લા નિરીક્ષક, જમીન દફતર કચેરી, રાજકોટના શ્રી નૈમેષ પટેલના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લાના રાજકોટ, પડધરી, લોધિકા, જસદણ, વિંછીયા, જામકંડોરણા, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી, જેતપુર અને ઉપલેટા સહિતના તમામ ૧૧ તાલુકાઓના કુલ ૫૭૩ ગામોમાં ડ્રોન સર્વેની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. સર્વે ઓફ ઈન્ડિયા તરફથી ૫૧૪ ગામોના નકશા પ્રાપ્ત થયા છે. જેમાંથી ૫૦૬ ગામોમાં ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે.

બાદમાં નિયમાનુસાર અન્ય પ્રક્રિયાઓ કરીને કુલ ૫૦૦ ગામોમાં પ્રમોલગેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૬,૮૮૨ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડની કામગીરી રાજકોટ તાલુકામાં ૧૦,૧૨૯ અને ત્યારબાદ ઉપલેટા તાલુકામાં ૭,૧૪૨ થયેલી છે. જિલ્લામાં આ યોજનાનો સીધો લાભ ગ્રામજનોને મળી રહ્યો છે.

આ કામગીરી થકી ગ્રામ્ય નાગરિકોને પ્રોપર્ટીકાર્ડ રૂપે તેમની મિલકતના અધિકારો મળે છે. જેનો ઉપયોગ તેઓ લોન લેવા તથા અન્ય કાયદેસરના કાર્યો માટે કરી શકે છે.

નોંધનીય છે કે, ‘સ્વામિત્વ’ (SVAMITVA) એટલે સર્વે ઓફ વિલેજીસ આબાદી એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ ટેક્નોલોજી ઈન વિલેજ એરિયાઝ. આ કેન્દ્ર સરકારની એક એવી યોજના છે, જેમાં ગામડામાં ડ્રોનથી મિલકતોનું સર્વેક્ષણ કરીને, ગામલોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે. આ સાથે, દરેક ગામ માટે જી.આઈ.એસ. આધારિત નકશા તૈયાર કરવામાં આવે છે. આ સર્વે થકી ગ્રામીણ આયોજન માટે જમીન રેકોર્ડ સચોટ બનાવવા, મિલકત વેરા નક્કી કરવા, સર્વે ઇન્ફ્રાસ્ટ્રકચર અને જી.આઈ.એસ. નકશા બનતા અન્ય કોઇ પણ સરકારી વિભાગ તેમના ઉપયોગમાં પણ લઈ શકશે. ગામના સંપત્તિ વિવાદ અને કાનૂની કેસોમાં ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂ. ૨૦૦ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને પરિણામે હવે રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિના મૂલ્યે મળી રહી છે.

Back to top button
error: Content is protected !!