Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૧.૮૧ લાખ નાગરિકોને PMGKAY હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ; ૯૬.૮૬% ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ

તા.૨૩/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
Rajkot: રાજકોટ કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં થયેલ ચર્ચા મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સૂચના મુજબ તપાસણી સમયે જિલ્લામાં ૧૭૩ રાંધણ ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા છે. તેમજ પુરવઠા અધિકારીશ્રીએ રાંધણ ગેસના ઘરવપરાશ માટેનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની માહિતી આપી હતી.
આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ શહેર/જિલ્લામાં લાભાર્થીઓને ઘઉં, ચોખા, બાજરી, તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠું વગેરેના વિતરણ કરેલા જથ્થાની વિગતો રજુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને ૧૫ કી.ગ્રા. ઘઉં, ૨૦ કી.ગ્રા. ચોખા, તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને ૨ કી.ગ્રા. ઘઉં, ૩ કી.ગ્રા. ચોખા રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)” અંતર્ગત અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો (AAY) તેમજ અગ્રતા ઘરાવતા કુટુંબો (PHH) ને જાન્યુઆરી-૨૦૨૪ થી પાંચ વર્ષ માટે ઘઉં અને ચોખા જેવા અનાજનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં હાલમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ કુલ-૩,૦૪,૦૨૦ રેશનકાર્ડનો અને તેમાં નોંધાયેલ જનસંખ્યા-૧૧,૮૧,૧૫૦નો સમાવેશ થયેલ છે.
ભારત સરકારશ્રીની “વન નેશન વન રાશનકાર્ડ” (ONORC) યોજના અંતર્ગત શહેરમાં ફેબ્રુઆરી અંતિત ૨૧,૦૩૫ રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ જયારે અન્ય જિલ્લાના ૧૨,૭૧૬ લાભાર્થીઓ, અન્ય રાજ્યના ૧૯૪૭ લાભાર્થીઓને રાશન પૂરું પાડવામાં આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં ૯૬.૮૬ ટકા ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાનું તેમજ રાજકોટ જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનોની તપાસ અને સીઝ કરાયેલી દુકાનની વિગત રજૂ કરાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટર શ્રી ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આશિષ ઝાપડા સહિતના અધિકારીઓ તેમજ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી મનોજ રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.





