GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ૧૬મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીઃ અચૂક મતદાનના શપથ લેવાયા

તા.૨૫/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સ્ટાફ, નવા મતદારો સહિત ૧૦૩ વ્યક્તિનું સન્માન

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ, આજે ક્લેક્ટર કચેરી ખાતે ‘૧૬મા રાષ્ટ્રીય મતદાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એસ.આઈ.આર. તથા મતદાર યાદીની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ તેમજ નવા મતદારો મળીને ૧૦૩ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે અચૂક મતદાન કરવા સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત-૨ અધિકારી સુશ્રી મહેક જૈને આ અવસરે સૌને સંબોધતા કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા તેમજ એસ.આઈ.આર. સાથે સંકળાયેલા તમામ સ્ટાફે પોતાની ક્ષમતા કરતા વધુ સારું કામ કર્યું છે. અનેક બી.એલ.ઓ.એ વ્યક્તિગત મુશ્કેલીઓ વચ્ચે પણ ફરજને પ્રાથમિકતા આપીને સમર્પણભાવ સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ તમામને અભિનંદન પાઠવું છું. આ સાથે તેમણે નાગરિકો પાસે એવી આશા વ્યક્ત કરી હતી કે, લોકશાહીને સુદ્રઢ રાખવા માટે ચૂંટણી તંત્રની આ સઘન કામગીરીને ધ્યાનમાં રાખતા નાગરિકો આગામી ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે.

આ અવસરે અધિકારીશ્રીઓના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૨૪ બૂથ લેવલ ઓફિસર્સ, ૧૬ બી.એલ.ઓ. સુપરવાઈઝરશ્રી, ૨૭ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, મતદાર યાદી સાથે સંકળાયેલા ૨૭ જેટલા કર્મચારીઓ, અધિકારીશ્રીઓ તેમજ ૦૮ યુવા નવા મતદારોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે દિવ્યાંગ મતદાર સુશ્રી પૂનમબેન કોરાટનું સ્થળ પર જઈને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે એન.સી.સી.ના પ્રતિનિધિનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના આરંભે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ સ્વાગત પ્રવચનમાં રાષ્ટ્રીય મતદાર દિવસની પૂર્વ ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સાથે કહ્યું હતું કે, આજે ભારત દેશમાં લોકશાહી મજબૂત છે, તેનું કારણ ચૂંટણી તંત્ર અને ચૂંટણી પ્રક્રિયા છે. આ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સ્ટાફ તેમજ મતદારોને તેમણે રાષ્ટ્રીય મતદાર દિવસની શુભકામના પાઠવી હતી.

નોંધનીય છે કે, ભારતમાં ચૂંટણીપંચની સ્થાપના દિન ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ થઈ હતી. વર્ષ ૨૦૧૧થી આ દિવસને ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!