છાણમાંથી ગણેશ, વિસર્જનથી વૃક્ષ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પર્યાવરણપ્રેમી પહેલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : ગણેશોત્સવને પર્યાવરણપ્રેમી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક અનોખી પહેલ હાથ ધરી છે. પ્રથમવાર રખડતી ગાયના છાણા, ચોખા અને વનસ્પતિના બીજથી બનેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે વિસર્જન બાદ તેમાં રહેલા બીજમાંથી વૃક્ષ ઉગી શકે છે, એટલે કે ઉત્સવ સાથે સાથે વૃક્ષારોપણનો સંદેશ પણ જોડાઈ રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા દાણીલીમડા અને બાકરોલમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા બાદ ગોબરનો ઉપયોગ કરી પૂજાની સામગ્રી તથા પ્રતિમાઓનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આમ, પર્યાવરણનું રક્ષણ થતું રહેશે અને સાથે જ ગોબરનો યોગ્ય ઉપયોગ પણ થશે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલા “લોકલ ફોર વોકલ”ના મંત્રને પણ સાર્થક કરે છે. ગોબર જનરેટ થતું રહ્યું છે, તેને નવી દિશા આપીને લોકલ કારીગરોને રોજગાર મળે તે માટે આ નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારો અને વ્રતોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)ની મૂર્તિઓના વધતા વપરાશથી પર્યાવરણ અને નદીઓ પર નકારાત્મક અસર થતી હતી. PoPની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી, જેના કારણે જળપ્રદૂષણ અને જળચર જીવસૃષ્ટિને નુકસાન થાય છે. આવી પરિસ્થિતિમાં છાણ તથા માટીથી બનેલી મૂર્તિઓ એક સ્વસ્થ વિકલ્પ છે, જે જળાશયોને સુરક્ષિત રાખશે અને પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદરૂપ બનશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોન્ચ કરાયેલી “ગૌ-ગણેશ” મૂર્તિઓ હવે ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવી ઓનલાઈન ઇ-કોમર્સ વેબસાઈટ્સ પર પણ ઉપલબ્ધ છે. નાગરિકો ઘરે બેઠા QR કોડ સ્કેન કરીને પણ મૂર્તિઓ ખરીદી શકે છે. ગૌ ગણેશની સાદી મૂર્તિ રૂ. 300, રંગીન મૂર્તિ રૂ. 400, સુશોભિત મૂર્તિ રૂ. 500માં ઉપલબ્ધ છે, જ્યારે કુંડા રૂ. 99 અને પૂજા સામગ્રી રૂ. 600માં મળી રહેશે. આ મૂર્તિઓ AMCના સીએનસીડી વિભાગના દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિર ખાતે પણ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
આ પહેલ વડે અમદાવાદ શહેરનું “સેલ્ફ સસ્ટેનેબલ ઝીરો વેસ્ટ કેમ્પસ” મોડેલ પણ દેશ સમક્ષ પ્રસ્તુત થાય છે. સાથે સાથે “કાઉ ટુરિઝમ ડેસ્ટિનેશન” તરીકે પણ અમદાવાદની નવી ઓળખ ઉભી થઈ રહી છે. ગૌવંશના છાણમાંથી બનેલા વિવિધ પ્રોડક્ટસ, ગ્રીન વેસ્ટનો ઉપયોગ અને RRR (Reduce, Reuse, Recycle), નેટ ઝીરો સેલ 2047 અને સરક્યુલર ઈકોનોમીના અભિગમનો અમલ થકી અમદાવાદ પર્યાવરણ જાળવણીમાં આગેવાન બનતું જઈ રહ્યું છે.
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કેમિકલથી બનેલી મૂર્તિઓનો ત્યાગ કરીને ગોબર અને માટીથી બનેલી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરે. વિસર્જન બાદ આ મૂર્તિઓ પાણીમાં ઓગળી જાય છે અને સાથે જ તેમાં રહેલા બીજમાંથી નવા વૃક્ષો ઉગે છે. આ રીતે “વિસર્જનમાંથી નવસર્જન”નો સંદેશ પણ સમાજ સુધી પહોંચે છે.
આ પહેલ માત્ર ગણેશોત્સવને પર્યાવરણમિત્ર બનાવવાની નથી, પરંતુ સમાજને સ્વચ્છતા, હરિયાળી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી તરફ દોરવાની છે.













