Rajkot: ૦૯ ઓગસ્ટ : રાષ્ટ્રીય પુસ્તકપ્રેમી દિવસ રાજકોટ મહાનગરપાલિકાની દત્તોપંત ઠેંગડી લાઇબ્રેરી યુવાનોમાં ફેવરિટ

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
પુસ્તકાલય – જ્યાં દરેક ખૂણો નવી વાર્તા કહે છે, દરેક પાનું નવી દુનિયા ખોલે છે
૫૭ હજારથી વધુ પુસ્તકોનો ખજાનો : ૧૨૦ મેગેઝિન અને ૧૮ વર્તમાનપત્રો ઉપલબ્ધ
બાળ સાહિત્યની કાલીઘેલી દુનિયાથી લઈને મહાનુભાવોના જીવનચરિત્રોથી સજ્જ
Rajkot: પુસ્તકપ્રેમીઓ માટે પુસ્તકાલય એ એવું સ્થળ છે, જ્યાં જ્ઞાનનો અખૂટ ભંડાર સચવાયેલો છે. પુસ્તકાલયમાં પ્રવેશતાની સાથે જ પુસ્તકપ્રેમીઓને અનોખી શાંતિની અનુભૂતિ થાય છે. પુસ્તકાલયમાં રહેલા હજારો પુસ્તકો કોઈને સાહસની દુનિયામાં, કોઈને કલ્પનાની દુનિયામાં, તો કોઈને ભૂતકાળની દુનિયામાં લઈ જાય છે. તા. ૦૯ ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય પુસ્તકપ્રેમી દિવસ’ છે. ત્યારે વાત કરીએ રાજકોટની દત્તોપંત ઠેંગડી પુસ્તકાલયની, જ્યાં દરેક ખૂણો એક નવી વાર્તા કહે છે, દરેક પાનું એક નવી દુનિયા ખોલે છે.
રાજકોટ શહેરમાં શ્રોફ રોડ પર આવેલી દત્તોપંત ઠેંગડી લાઇબ્રેરી યુવાનોમાં ફેવરિટ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ બનાવાયેલી આ પ્રથમ અદ્યતન લાઇબ્રેરી છે. આ પુસ્તકાલ વાંચન માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે. બાળ સાહિત્યની કાલીઘેલી દુનિયાથી માંડીને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સાહિત્યના પુસ્તકોનો સંગ્રહ અહીં ઉપલબ્ધ છે. કવિતાઓ, નવલકથાઓ, નાટકો, હાસ્યકથાઓ અને મહાનુભાવોના જીવનચરિત્રોથી સજ્જ આ સ્થળ, દરેક ઉંમરના વાચકોની જિજ્ઞાસા સંતોષે છે. ફિલસૂફી, ધર્મ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ટેક્નોલોજી જેવા વિવિધ વિષયોના પુસ્તકો સંશોધકો અને જ્ઞાનપિપાસુઓ માટે ખજાના સમાન છે.
આ પુસ્તકાલયના ડેપ્યુટી ચીફ લાઇબ્રેરીયન શ્રી સુનિલભાઈ દેત્રોજા જણાવે છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં આ લાઇબ્રેરીનું નામકરણ થયું છે. આ લાયબ્રેરીની સ્થાપના વર્ષ ૨૦૧૪માં થઇ હતી. અહીં હાલમાં કુલ ૫૭ હજારથી વધુ પુસ્તકો છે, જેમાં ૦૭ હજારથી વધુ પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી છે. આ પુસ્તકાલય માત્ર કાગળ પરના શબ્દો સુધી સીમિત નથી. અહીં આશરે ૬૫૦૦ જેટલી સી.ડી./ડી.વી.ડી. પણ ઉપલબ્ધ છે અને ૦૪ હજાર જેટલા રમકડાં પણ. મેગેઝિન ક્લબમાં ૫૦ જેટલા મેગેઝિન ઉપરાંત વાંચનાલય ખંડમાં ૧૨૦ મેગેઝિન અને ૧૮ વર્તમાનપત્રો નિયમિત ઉપલબ્ધ હોય છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તકાલયમાં ભગવદગોમંડળ, એન્સાયકલોપીડિયા ઓફ અમેરિકા, એન્સાયકલોપીડિયા ઓફ બ્રિટાનિકા જેવા અલભ્ય પુસ્તકો તેમજ રામાયણ, મહાભારત, ચરકસંહિતા સહિત ૧૮ પુરાણો છે. ડિમાન્ડ રજિસ્ટર અને સજેશન બોક્સમાં વાંચકોની ઈચ્છા મુજબના પુસ્તકો વસાવવાનો પ્રયાસ કરાય છે. અહીં દરરોજ ૪૦૦-૫૦૦ મુલાકાતીઓ આવે છે. સભ્યસંખ્યાની વાત કરીએ તો આશરે ૧૧,૫૦૦ સભ્યો પુસ્તકો માટે, ૨૮૦૦ સભ્યો મલ્ટીમીડિયા માટે, ૩૬૦૦ સભ્યો રમકડાં માટે અને મેગેઝિન ક્બલના ૨૭૦૦ સભ્યો છે. આજીવન સભ્યપદ માટે રૂ. ૫૦૦ ફી છે તથા સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને થેલેસેમિયાગ્રસ્ત માટે આજીવન સભ્યપદ નિ:શુલ્ક છે. પુસ્તકાલય દરેક વ્યક્તિને જ્ઞાનની સરવાણીમાં ડૂબકી લગાવવાનો મોકો આપે છે. ત્યારે અહીં એક વાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે.
*રાજકોટ મહાનગરપાલિકાની લાઇબ્રેરી સેવા*
– પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય (પ્રહલાદ પ્લોટ)
– દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય (શ્રોફ રોડ)
– ડો. આંબેડકર ભવન પુસ્તકાલય (જિલ્લા ગાર્ડન)
– બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરી (પેરેડાઈઝ હોલ સામે)
– ચાણક્ય લાઇબ્રેરી (ઇસ્ટ ઝોન)
– મહિલા વાંચનાલય (નાના મવા સર્કલ)
– મહાત્મા ગાંધી મ્યુઝિયમ લાઇબ્રેરી
– મોબાઇલ લાઇબ્રેરીના ૦૨ યુનિટ
– વોર્ડવાઇઝ ૦૬ વિદ્યાર્થી વાંચનાલયો
પુસ્તકપ્રેમીઓના પ્રતિભાવો
વાંચનનો શોખ કેળવી, તેને જાળવી રાખવો જોઈએ : શ્રી મેહુલભાઈ વ્યાસ
સિંચાઈ શાખાના નિવૃત અધિકારી શ્રી મેહુલભાઈ વ્યાસ જણાવે છે કે, નાનપણથી લાઇબ્રેરીની પ્રવૃત્તિઓમાં ખૂબ રસ ધરાવું છું. મને પુસ્તકો વાંચવા ગમે છે, ન્યુઝપેપર પણ નિયમિત વાંચુ છું અને વાંચનનો આનંદ ઉઠાવું છું. લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાથી માનસિક શાંતિ મળે છે, નોલેજ મળે છે અને આંતરિક વિકાસ થાય છે. આથી, વાંચનનો શોખ કેળવી, તેને જાળવી રાખવો જોઈએ
શહેરીજનોને આ લાયબ્રેરી ખૂબ ઉપયોગી બની રહી છે : શ્રી હિનાબેન પરમાર
લાઇબ્રેરીના મુલાકાતી શ્રી હિનાબેન પરમાર કહે છે કે, છેલ્લા દોઢ વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા દત્તોપંત ઠેંગડી લાઇબ્રેરી ખાતે આવું છું. અહીં લેટેસ્ટ બુક્સ વાંચવા મળી રહે છે. શહેરીજનોને આ લાઇબ્રેરી ખૂબ ઉપયોગી બની રહી છે. જે બદલ સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.
ઘણા લોકોએ આ લાયબ્રેરીમાં કલાકો સુધી અભ્યાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે : શ્રી પૂજાબેન શિંગાળા
વાચક શ્રી પૂજાબેન શિંગાળા જણાવે છે કે, દીપ ત્રિવેદીના ‘હું કૃષ્ણ છું’ અને ‘હું મન છું’ પુસ્તકો મારા પ્રિય છે. દત્તોપંત ઠેંગડી લાઇબ્રેરીની અવરનાર મુલાકાત લેતી હોઉં છું. આ લાઇબ્રેરી આધુનિક, સ્વચ્છ અને સરસ છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી બૂક જોઈતી હોય કે સાહિત્ય સંબંધિત પુસ્તક જોઈતું હોય, તે અહીં વાંચવા મળી રહે છે. ઘણા લોકોએ આ લાઇબ્રેરીમાં કલાકો સુધી અભ્યાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે. આ લાઇબ્રેરીમાં શાંતિ હોવાથી બૂક અને મેગેઝિન વાંચવા માટે આવવું મને ગમે છે.






