GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૦૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વૂમન – બિયોન્ડ ધ બાઉન્ડ્રી : રાજકોટની ગૃહિણી શ્રી મંજુલાબેન ગજેરા

તા.૭/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ઘરની અગાશીમાં જ શાકભાજી, ફળો અને ઔષધીય વનસ્પતિ વાવીને બનાવ્યું ઓર્ગેનિક ફાર્મ

બાગાયત કચેરી આયોજિત કિચન ગાર્ડનિંગ સેમિનારમાં અવનવા પ્રયોગો જાણવા મળ્યા : શ્રી મંજુલાબેન

કિચન ગાર્ડનિંગની સાથેસાથે ભરત-ગુંથણ, ચિત્ર, સંગીત, યોગ, સાઉન્ડ હિલીંગની કળાના જાણકાર

આલેખન : માર્ગી મહેતા, રાજ લક્કડ

Rajkot: દર વર્ષે વિશ્વભરમાં તા. ૦૮ માર્ચના રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવાય છે. કહેવાય છે કે સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન. આમ તો સ્ત્રી સ્વયં જ સર્જનહાર છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ.. પ્રકૃતિ, કલા અને સર્જનાત્મકતાના સમન્વય સમાન એક નારીની.. જેણે ઘરની અગાશીમાં શાકભાજી-ફળો વાવીને કુદરત સાથે સીધું તાદાત્મ્ય સાધ્યું છે. રાજકોટનાં શ્રી મંજુલાબેન ગજેરાની અગાશીમાં નાના-મોટા અનેક પ્લાન્ટ્સનો ઉછેર થાય છે. એમની અગાશીમાં આદું, હળદર કે ગળો જેવા ઔષધિય છોડ પણ જોવા મળે તો રોજીંદા ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ તેમણે વાવ્યાં છે.

શ્રી મંજુલાબેન ગજેરા મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં કહે છે કે “ગૃહિણી ‘રસોઈની રાણી’ કહેવાય છે, જયારે રસોઈની રાણી જ કિચન ગાર્ડનિંગ તરફ વળે, ત્યારે ભોજનની મીઠાશ અનેરી બની જાય છે. અમે ઘરની અગાશીમાં જ ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું છે, જેમાં રીંગણાં, લસણ, ડુંગળી, ટમેટાં, મૂળા, મરચાં, કોબી, ફ્લાવર અને ઔષધિય વનસ્પતિ ઉછેરી છે. બજારમાં વેચાતા શાકભાજી રાસાયણિક ખાતર અને જંતુનાશકથી ભરપૂર હોય છે. ત્યારે જો કિચન ગાર્ડનિંગ પદ્ધતિસર કરવામાં આવે તો એક પરિવાર પૂરતું શાક ઘરમાં જ ઉગાડી શકાય છે.”

“મને ઝાડ-પાન પ્રત્યે એટલી રૂચિ છે કે મેં છોડ વિષે નાનામાં નાની જાણકારી મેળવી. હું વર્ષ ૨૦૦૭થી ઓર્ગેનિક ફાર્મિંગ શીખવા માંડી હતી. ગુજરાત સરકારની રાજકોટ બાગાયત કચેરી આયોજિત કિચન ગાર્ડનિંગ સેમિનારમાં અવનવા પ્રયોગો જાણવા મળ્યા. એટલું જ નહીં, છોડની માવજત કરવા અંગે ઘણું શીખવા મળ્યું. કિચન ગાર્ડનની વ્યવસ્થિત તાલીમના લીધે મારો શોખ વિકસાવવાની પ્રેરણા મળી. હવે કિચન ગાર્ડનિંગ સેમિનારમાં ટ્રેનર તરીકે ફરજ નિભાવું છું. બાગાયત કચેરી તરફથી હંમેશાં પૂરો સહયોગ મળ્યો છે, જે સરાહનીય છે.” તેમ તેમણે ઉમેર્યું હતું.

‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતા શ્રી મંજુલાબેને પ્લાસ્ટિકની બોટલ, શૂઝ, ફીરકી, તૂટેલા શો-પીસ જેવી ચીજવસ્તુઓમાં બીજનું રોપણ કર્યું છે. તેમણે ઘરના આંગણે બોન્શાઇ, મિનિએચર તથા અન્ય પ્લાન્ટ ઉછેર્યા છે.

તેમણે વાવેલી ઔષધિઓમાં ગળો, હળદર, નગોડ, બેઝિલ, ફૂદીનો, તુલસી, દુર્લભ ગણાતી પોયની ભાજી સહિતનો સમાવેશ થાય છે. તેઓ સીઝન પ્રમાણે શાકભાજી ઉગાડે છે. શાકભાજીની સાથેસાથે ફળોમાં જામફળ, દાડમ, કેળ સહિતના વૃક્ષો પણ ઉગાડ્યાં છે. સ્વાસ્થ્યને ઉપયોગી સરગવો અને ગિલોઈના કુંડા પણ તેમને ત્યાં છે. ‘ૐ’ આકારમાં પીપળનું બોન્શાઇ તેમના ઘરના આંગણાની શોભા વધારી રહ્યું છે.

ગૃહિણીઓને ઘરની સફાઈ અંગે ચિંતા થતી હોય છે. ત્યારે તેઓ ગૃહિણીઓને કહેવા માંગે છે કે “પ્લાન્ટનાં સૂકાં પાન વગેરે કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હું રોપાની માવજત પાછળ દરરોજ અર્ધો કલાક જ આપું છું. ગાયનાં છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવી, તેનો શાકભાજી પર છંટકાવ કરું છું. તબક્કાવાર શાકભાજી ઉગાડવાથી ખર્ચ પણ બહુ ઓછો થાય. કુંડા, માટી, ખાતર વગેરે માટે એક વાર ખર્ચ થાય, પછી બહુ વધુ ખર્ચ કરવો પડતો નથી. છોડની સંભાળ લેવાથી માનસિક શાંતિ પણ મળે છે.”

નારીનું મનોબળ મજબૂત હોય તો ઉંમરનો બાધ નડતો નથી. શ્રી મંજુલાબેન કિચન ગાર્ડનિંગની સાથેસાથે ભરત-ગુંથણ, ચિત્ર, સંગીત, સાઉન્ડ હિલીંગની કળા પણ જાણે છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવતી પ્રકૃતિ સખી યોજના અંતર્ગત તેઓ સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ શીખવી રહ્યાં છે. ઘરે ‘કિસાન મોલ’માં પ્રાકૃતિક અને શ્રીધાન્યના ઉત્પાદનોનું વેચાણ કરે છે, જેમાં ઇકો ફ્રેન્ડલી પેન્સિલ, કલર, અગરબત્તી અને ચોકલેટના પેકેટ છે. તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નેશનલ કાઉન્સિલ ઓફ નેચરલ ફાર્મિંગ, ગાઝિયાબાદ સાથે સંકળાયેલા છે. તેમને અનેક ઇનામો અને સર્ટીફીકેટ મળેલા છે. તેમના પતિ શ્રી ગોવિંદભાઈ જુનાગઢના મજેવડી ગામમાં ૪૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીની કામગીરી સંભાળે છે. પુત્રવધૂ શ્રી પાયલ પણ સાસુ પાસેથી પ્રકૃતિ અને યોગ શીખીને તેમના કાર્યમાં મદદ કરે છે. આ તકે શ્રી મંજુલાબેને મહિલાઓના સશક્તિકરણ અર્થે પ્રયાસશીલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આમ, વૂમન – બિયોન્ડ ધ બાઉન્ડ્રી એવા શ્રી મંજુલાબેન ગજેરા મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

ચાલુ વર્ષે ૭૫% વધુ મહિલા તાલીમાર્થીઓ સહિત ૭૦૦થી વધુ લોકોએ લીધી કિચન ગાર્ડનની તાલીમ

ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા કિચન, ન્યુટ્રીશન, હર્બલ, રૂફટોપ, બાલ્કની, એડીબલ, ઇન્સ્ટીટ્યુશનલ જેવા ગાર્ડન તેમજ હાઇડ્રોપોનિકસ, માઇક્રોગ્રીન્સ, બાગાયતી પાકોની મૂલ્યવૃદ્ધિ, નાના પાયે ફળ અને શાકભાજી પાકોનું પરિરક્ષણ, મશરૂમ ઉત્પાદન, પેરી અર્બન હોર્ટીકલ્ચર જેવા વિવિધ વિષયો અંગે ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો વગેરેને કૌશલ્યવર્ધન પ્રવૃત્તિઓ સાથે રોજગારલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ખાતે અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર અંતર્ગત કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે. ત્યારે મદદનીશ બાગાયત નિયામકશ્રી હિરેનભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે ૭૦૦થી વધુ લોકોએ કિચન ગાર્ડનની તાલીમ લીધી છે, જેમાં ૭૫% વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!