Rajkot: ૧૮મી એપ્રિલ ‘વિશ્વ ધરોહર દિવસ’: આપણા અમૂલ્ય ઐતિહાસિક વારસાના જતનનો અવસર

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
રાજકોટ જિલ્લામાં હાલ ૧૧ સ્મારકો રાજ્ય રક્ષિત યાદીમાં છે
દેશની વિરાસતો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ ‘સ્વર્ણિમ ભારત – વિરાસત ઔર વિકાસ’ની રખાઈ હતી
Rajkot: ગામ કે શહેરના આંગણે ઊભેલી કે જંગલો, પહાડોમાં આવેલી જૂની-ઐતિહાસિક ઈમારતોને લોકો ક્યારેક સામાન્ય ખંડેર ગણી લે છે, પરંતુ આ ઈમારતો આપણા પ્રાચીન વારસા અને ભૂતકાળના ગૌરવને સાચવીને બેઠેલી સાક્ષીરૂપ હોય છે. આ પ્રાચીન વારસાનું જતન અને તેને સંરક્ષિત કરવાનો અવસર એટલે ‘વિશ્વ ધરોહર દિવસ’.
દર વર્ષે ૧૮મી એપ્રિલે ‘વિશ્વ ધરોહર દિવસ’ મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઈમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન અને સંરક્ષણ કરવાનો અને લોકોને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી આપણી આવનારી પેઢીઓ આ અમૂલ્ય વારસાથી સુમાહિતગાર થઈ શકે.
‘વિશ્વ ધરોહર દિવસ’ની આ વર્ષની થીમ છે: “કુદરતી આફતો અને સંઘર્ષોથી ખતરામાં રહેલો વારસો: ICOMOSની ૬૦ વર્ષની કામગીરીમાંથી તૈયારી અને શીખ.”
સન ૧૯૮૨માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ ડે’ની ઉજવણીનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૮૩માં સંયુક્ત રાષ્ટ્રની ૨૨મી જનરલ એસેમ્બલીમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આખરે ICOMOSની સ્થાપનાનો દિવસ એટલે કે ૧૮મી એપ્રિલને ‘વર્લ્ડ હેરિટેજ દિવસ’ તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો.
દરેક રાષ્ટ્રનો પોતાનો ઈતિહાસ હોય છે અને તે ઈતિહાસ સાથે જોડાયેલી અનેક ગૌરવપૂર્ણ બાબતો હોય છે. દેશના જુદા જુદા ભાગોમાં આવેલા તે સમયના સ્મારકો અને ઐતિહાસિક ધરોહરો આ ગૌરવગાથાઓની યાદ અપાવે છે. ઈતિહાસના પૃષ્ઠો પર નોંધાયેલા યુદ્ધો, મહાન વ્યક્તિઓ, કળા, સંસ્કૃતિ વગેરેના જીવંત પુરાવા તરીકે આ સ્થળોને જાળવી રાખવા અત્યંત જરૂરી છે.
વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે કાર્યરત છે. આ સંસ્થાઓ પોતપોતાની રીતે ‘વર્લ્ડ હેરિટેજ ડે’ની ઉજવણી કરે છે. આ દિવસે હેરિટેજ વોક અને ફોટોવોકનું આયોજન કરવામાં આવે છે. લોકો હેરિટેજ ટૂર પર જાય છે અને આ વારસાનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે. આ દિવસે લોકોને તેમના દેશના વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. આ સાથે, આબોહવા પરિવર્તન, કુદરતી આફતો અને માનવીય પ્રવૃત્તિઓ જેવાં જોખમોથી આ સ્થળોને બચાવવા માટે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો તેમજ જુદા-જુદા મોન્યુમેન્ટ્સની વિરાસતને જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ અને લોકોને તેના ઈતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહત્ત્વથી પરિચિત કરાવવા માટે “વિરાસત ભી, વિકાસ ભી”નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે.
દેશની ઐતિહાસિક ધરોહરો પ્રત્યે જાગૃતિ લાવવા આ વર્ષે સંરક્ષણ મંત્રાલયે દિલ્હીમાં ૭૬મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘સ્વર્ણિમ ભારત – વિરાસત ઔર વિકાસ’ની થીમ રાખી હતી. કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં કુલ ૩૧ ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી, જેમાં ૧૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૫, તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જોડાયા હતા.
(બોક્સ)
ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરોની ઝાંખીએ દેશવાસીઓના મન મોહ્યા
દિલ્હીમાં આ વર્ષે જાસત્તાક દિવસની પરેડમાં ‘ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ’ થીમ આધારિત ગુજરાત રાજ્યની ઝાંખીએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગુજરાતના આ ટેબ્લોને પીપલ્સ ચોઈસ કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
ગુજરાતની આ ઝાંખીમાં ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેક્નોલોજી-ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વૉટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓએ ઝાંખીની શોભામાં વધારો કર્યો હતો.
(બોક્સ)
રાજકોટ જિલ્લાનાં રાજ્ય રક્ષિત સ્મારકો
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, સૌરાષ્ટ્રનું કેન્દ્ર એવો આ વિસ્તાર અનેક ઐતિહાસિક સંભારણાને સાચવીને બેઠેલો છે. રાજકોટ જિલ્લામાં હાલ ૧૧ જેટલાં રાજ્ય રક્ષિત સ્મારકો આવેલાં છે. જેમાં (૧) ગોંડલ તાલુકાના ખંભાલીડામાં આવેલી શૈલગુફાઓ, (૨) વીરપુરમાં આવેલી મિનળવાવ, (૩) જસદણના આટકોટમાં આવેલો લાખા ફુલાણીનો પાળીયો, (૪) જસદણના દરબારગઢનો શિલાલેખ, (૫) જસદણના ડીંગથળો ડુંગરમાં આવેલી ગુફા, (૬) જસદણના ભાડલામાં આવેલી વાવ, (૭) ધોરાજીનો જૂનો દરબારગઢ, (૮) જેતપુરના જૂની સાંકળીના સાંકળેશ્વર મહાદેવ, (૯) ધોરાજીના સુપેડીના મંદિરો, (૧૦) રાજકોટના ખોરાણાના ધોળીધારનો ટીંબો, (૧૧) રાજકોટના જામટાવરનો સમાવેશ થાય છે.




