JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને વરસાદની સ્થિતિ બાદ કાર્યવાહી કરવા સમિક્ષા બેઠક યોજાઇ

સંબંધિત અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી શક્ય તેટલી ઝડપી કામગીરી ચાલુ કરવા સૂચના આપી

 જૂનાગઢ તા. ૨    જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદના પગલે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં હાલ વરસાદની  સ્થિતિમાં જરૂરી કામગીરી કરવા સમિક્ષા બેઠક યોજાઇ હતી.

કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જિલ્લાના અધિકારીઓને હાલની સ્થિતિમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સૂચના આપી હતી.

વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયાની ફરિયાદો, નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો તેમજ દરેક વિભાગના સંબંધિત અધિકારીઓના ઇનપુટ્સ લઇ જિલ્લા કલેક્ટરે પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાઇ જે-તે અસર ગ્રસ્ત વિસ્તારની સ્થિતી જણાવી હતી.

ત્યાર બાદ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે ધરાશાયી થયેલા વૃક્ષો, નિચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીનો શક્ય તેટલો ઝડપી નિકાલ કરવો તેમજ મચ્છરજન્ય રોગ ન ફેલાય તેની તકેદારી રાખવી.

વધુમાં વરસાદને કારણે રસ્તાઓ તુટી ગયા હોઇ અથવા ધોવાણ થયું હોઇ તેની શક્ય તેટલી ઝડપી કામગીરી ચાલુ કરવી. ગટરોના ઢાંકણામાં પાણીનો ભરાવો થયો હોઇ તો ત્યાથી પાણીનો નિકાલ કરવો,સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રીટ પોલ વગેરેમાં પણ જો કોઇ સમસ્યા હોય તો ઝડપી નિરાકરણ લાવવું. શાળા કોલેજોમાં પણ જો પાણીને કારણે બાળકોને, વિદ્યાર્થીઓને મુશ્કેલી આવતી હોય તો મર્યાદિત સમય પુરતા નજીકની શાળામાં શિફ્ટ કરવા.

હેલ્થ વિભાગને વધુ જાગૃત રહેવા તેમજ ખાસ કરીને સગર્ભા બહેનોને કોઇ સમસ્યા ન થાય તેની તકેદારી રાખવા સહિતની સૂચના આપી હતી.

આગળના સમયમાં પણ અચાનક વરસાદ થાય અને લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ આવે તો યોગ્ય જગ્યાએ સ્થળાતર કરવા અને ફુડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરવી તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જણાવ્યું હતું. તાલુકા કક્ષાના અધિકારીઓ ફિલ્ડમાં જઇ પરિસ્થિતિનો તાગ મેળવે અને ઓછામાં ઓછા સમયમાં લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવાનો પ્રયત્ન કરે તેમજ તંત્ર દ્વારા પુર્ણ થતા કામનો સમયસર રિપોર્ટ કલેક્ટર કચેરી ખાતે મોકલી આપે તેમ જણાવ્યું હતું .

વરસાદ સમિક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, અધિક નિવાસી કલેક્ટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ વન સંરક્ષક અક્ષય જોષી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!