Rajkot: રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા સંપન્ન – ૯૪૩ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

તા.1/11/2025
વાત્સલયમ્ સમાચાર
ગર્લ્સ અન્ડર -૧૯ કેટેગરીમાં રાજકોટની વિહા જાનીને બે ગોલ્ડ અને એક સિલ્વર
Rajkot: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી, રાજકોટ સંચાલિત રાજ્યકક્ષાની સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા રાજકોટના શ્રી સરદાર પટેલ સ્નાનાગાર ખાતે યોજાઈ હતી.
આજરોજ અંતિમ દિવસે બહેનોની ફાઈનલ સ્પર્ધા સાથે શાળાકીય તરણ સપર્ધાનું સમાપન કરવામાં આવ્યું હતું. તા. ૨૮ ઓક્ટોબર થી ૧ નવેમ્બર દરમ્યાન યોજાયેલી તરણ સ્પર્ધામાં ૪૮૯ ભાઈઓ તેમજ ૪૫૪ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિવિધ શહેર અને જિલ્લામાંથી આવેલ સ્પર્ધકો પૈકી ભાઈઓમાં અન્ડર-૧૪ માં ૨૦૬, અન્ડર-૧૭ માં ૧૫૬ અને અન્ડર-૧૯ માં ૧૨૭ સ્પર્ધકો જયારે બહેનોમાં અન્ડર ૧૪ માં ૧૯૩, અન્ડર-૧૭ માં ૧૪૨ અને અન્ડર-૧૯ માં ૧૧૯ સ્પર્ધકોએ રાજ્ય કક્ષાએ ભાગ લઈ કૌવત દેખાડ્યું હતું.
ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફ્લાય, ડાઇવિંગ સહિતની સ્પર્ધામાં ભાઈઓમાં રાજકોટના વ્યોમ ચનિયારા, રાવલ હવિષ, જય પાણખાણીયા, રામવાણી કેયુર, સોની વીરને વિવિધ કેટેગરીમાં મેડલ્સ મળ્યા છે. જયારે બહેનોમાં રાજકોટની વિહા જાનીને અન્ડર ૧૯ કેટેગરીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળતાં તેણીએ ખુશી સાથે જણાવ્યું હતું કે, હું રેસકોર્સ સ્થિત સ્વિમિંગ પુલ ખાતે રોજની ૪ કલાક સ્વિમિંગ અને બે કલાક ગ્રાઉન્ડ એક્સરસાઇઝ કરું છું. આ પહેલા રાષ્ટ્રીય કક્ષાએ બે બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા છે. તેની રોલ મોડેલ મોટી બહેન જાની રિપ્સા પણ સ્વિમિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી ચુકી છે.
જયારે અન્ડર ૧૪ કેટેગરીમાં રાજકોટની સ્વરા ત્રાંબડિયાએ ૫૦ મી., ૧૦૦ મી. અને ૨૦૦ મી. બ્રેસ્ટ સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ મેળવતા ખુબ ખુશી વ્યક્ત કરતા તેણીએ ભારત વતી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ મેડલ્સ અપાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણી માત્ર ત્રણ વર્ષની ઉમરેથી સ્વિમિંગ ચાલુ કર્યું હોવાનું અને રોજના ૩ થી ૪ કલાક સ્વિમિંગ પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવ્યું હતું.
આ તકે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વી.પી. જાડેજા, વિવિધ શહેર જિલ્લામાંથી આવેલા સ્વિમિંગ કોચ, પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં તરણ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતાં.





