GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: એક સર્જનાત્મક પ્રયાસ, અનેક બહેનો માટે રોજગારીનો આધાર : કુટિર હસ્તકલા ઉદ્યોગથી ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વેગ

તા.૩૧/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

જયશ્રીબેનના માર્ગદર્શન હેઠળ ૧૦૦થી વધુ મહિલાઓ હસ્તકલા ઉદ્યોગ મારફતે સ્વાવલંબી બન્યા : મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પત્ર પાઠવ્યો

ગ્રામ્ય અર્થતંત્રને સશક્ત બનાવતી ગુજરાતની હસ્તકલા

હેન્ડવર્ક કુર્તી, ડ્રેસ મટિરિયલ, હેન્ડમેડ માળા, પર્સ જેવી કલાત્મક વસ્તુઓ બનાવતા જયશ્રીબેન બન્યા અનેક મહિલાઓ માટે રોલમોડલ

Rajkot: આધુનિક જીવનશૈલી વચ્ચે પણ ગુજરાતની હસ્તકલાનું મહત્વ અકબંધ છે. આ હસ્તકલા આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે અનેક પગલાં લીધાં છે. તેમાં ગવર્મેન્ટ ઇન્ડેક્સ-સી, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ), GI ટેગ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી યોજનાઓનો સમાવેશ થાય છે. આ પહેલ દ્વારા સ્થાનિક કારીગરોને બજાર, ઓળખ અને રોજગારની નવી તકો પ્રાપ્ત થઈ રહી છે.

તાજેતરમાં રાજકોટ ખાતે ગવર્મેન્ટ ઇન્ડેક્સ-સી અંતર્ગત કુટિર હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક જિલ્લાઓના કલાકારોએ પોતાની કારીગરી પ્રસ્તુત કરી હતી. આ પ્રદર્શનીમાં અમદાવાદથી આવેલા કલાકાર શ્રીમતી જયશ્રીબેન ચાવડાએ પોતાના અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે, “અહીં આવીને એવું લાગ્યું કે અમારી મહેનતને યોગ્ય મંચ મળ્યો છે. નિવૃત્તિની વયમાં પ્રવૃત્ત રહીને કલાને નવી ઓળખ આપી અને બહેનોને આત્મનિર્ભર બનાવવાનું ઉમદા કાર્ય કરવાની મને તક મળી છે. હું વધારે ભણેલી નથી પણ કલા પ્રત્યે મારી રૂચિના કારણે મને અનેક ફેશન ડિઝાઈનિંગ શીખવતી સંસ્થાઓમાં અન્ય યુવાનોને તાલીમ આપવાનો અવસર મળ્યો છે.”

હેન્ડવર્ક કુર્તી, ડ્રેસ મટિરિયલ, હેન્ડમેડ માળા, પર્સ જેવી કલાત્મક વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન સાથે જયશ્રીબેન અનેક બહેનોના સપનાઓને આગળ વધારી રહ્યા છે. આટલું જ નહીં, તેઓ અનેક બહેનોને ભરત-ગૂંથણ, સીવણ, આભાલા વર્ક જેવી કળાઓ શીખવીને તેમને પગભર કરવાનું કામ પણ કરી રહ્યા છે.

જયશ્રીબેને ઉમેર્યું હતું કે, “નાના-નાના ગામોમાંથી ૬૫ જેટલી બહેનો હાલ અમારી સાથે જોડાયેલી છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ બહેનો આત્મનિર્ભર બની ચૂકી છે. આ સિદ્ધિ બદલ મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માનપત્ર આપવામાં આવ્યું છે.”

જયશ્રીબેનની કળાનો વ્યાપ માત્ર ગુજરાત પુરતો સીમિત નથી. દેશભરમાં યોજાતા વિવિધ પ્રદર્શનો તેમજ દિલ્હી ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય મેળામાં પણ તેમણે ભાગ લીધો હતો, જેમાં અન્ય દસ દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આપણી કલા અને વારસાને જીવંત રાખવાનું કાર્ય કરતા અનેક કલાકારોને આ પ્રકારના મેળાઓથી વૈશ્વિક ઓળખ મળી છે.

કુટિર અને હસ્તકલા ઉદ્યોગો ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે. સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક રોજગાર અને વૈશ્વિક બજાર આ ત્રણેયને જોડતી કડી તરીકે હસ્તકલા ઉદ્યોગ કાર્ય કરે છે. આ દિશામાં જયશ્રીબેન જેવા કલાકારો પોતે તો આત્મનિર્ભર બન્યા જ છે, સાથે સાથે અનેક મહિલાઓના આર્થિક ઉત્કર્ષ અને સ્વાવલંબન માટે પણ પ્રેરણારૂપ બની સતત કાર્ય કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!