GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના પડધરી તાલુકામાં ખેતપાક નુકસાનનો તત્કાલ સર્વે શરૂ થતાં ખેડૂતોમાં રાહતની લાગણી

તા.3/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીપાકને થયેલી નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી સઘન રીતે ચાલી રહી છે. પડધરી તાલુકાના ૫૮ ગામોમાંથી ૫૦ ટકા ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને બાકીના ગામોનો સર્વે એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે. ખેત પાક નુકસાનીના તત્કાલ શરૂ થયેલા સર્વે પ્રત્યે ખેડૂતો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

આજે પડધરી તાલુકાના તરઘડી ગામની મુલાકાત વખતે ખેડૂત શ્રી મનસુખભાઈ રઘુભાઈ ડોબરીયાએ જણાવ્યું કે, તેમના પરિવારની કુલ ૮૦ વિઘાથી વધુ જમીન છે, જેમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે આશરે ૬૦ વિઘામાં મગફળી ખરાબ થઈ ગઈ છે. ભેજ વધી ગયો છે અને પાથરાની મગફળી સડવા લાગી છે. સરકારે તાત્કાલિક સર્વે શરૂ કર્યો છે, તે સારું છે. હવે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર કરશે તેવી આશા છે.

(BOX) આ વરસે કુદરતની મહેર હતી પણ માવઠાથી મોટો માર પડ્યોઃ હીરાભાઈ લિંબાસિયા, ખેડૂત

‘આ વર્ષે કુદરતની મહેર સારી હતી, વરસાદ સારો હતો, પણ માવઠાથી મોટો માર પડ્યો છે’.. આ શબ્દો છે તરઘડીના ખેડૂત શ્રી હીરાભાઈ લિંબાસિયાના. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો હોવાથી વરસ સારું જવાની આશા હતી. પણ માવઠાના કારણે મોટું નુકસાન થયું છે.

તેમણે કહ્યું હતું કે, તેમને સાત એકર જમીન છે. જેમાંથી અડધામાં કપાસ અને અડધામાં મગફળી વાવી છે. કમોસમી વરસાદના કારણે મોટાભાગનો પાક ખરાબ થઈ ગયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના હિતની ચિંતા કરતા ખેતપાક નુકસાનીનો તાત્કાલિક સર્વે શરૂ કરાવ્યો છે, તેને બિરદાવીએ છીએ અને ખેડૂતોના હિતમાં વહેલાસર રાહત પણ જાહેર થશે તેવી આશા છે.

Back to top button
error: Content is protected !!