GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “શબ્દોની યાત્રા અને ટેક્નોલોજીનો સંગમ” રાજકોટમાં ‘સાહિત્ય, પત્રકારત્વ અને એ.આઇ.’ વિષયક ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

તા.૬/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વર્તમાન સમયમાં એ.આઇ. જર્નાલિઝમમાં માત્ર એક ‘હેલ્પિંગ ટૂલ’ તરીકે કાર્ય કરી રહ્યું છે, જે પત્રકારત્વ માટે જરાય જોખમી નથી

એ.આઇ. માત્ર ડેટાના આધારે અનુમાન કરી શકે છે, પરંતુ લેખક કે પત્રકાર (માનવી) અનુભવ અને અનુભૂતિ કરી શકે છે!

શ્રી ધૈવત ત્રિવેદી

ઉત્તમ લેખન અને સાહિત્ય સર્જન માટે જરૂરી એવો માનવીય ભાવ અને સંવેદના એ.આઇ. પાસે નથી

માહિતી અને ડેટા એ માત્ર કાચી સામગ્રી છે; સર્જકે તેમાં પોતાની કલ્પનાશક્તિ અને લાગણીઓનો મસાલો ઉમેરીને તેને જીવંત બનાવવી પડે

એ.આઇ.ના લાભાલાભ અંગે નાટિકા ભજવાઈ : સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા

ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજન

Rajkot: ગુજરાત પ્રેસ અકાદમી – ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી – રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કુલપતિ શ્રી ડો. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં ‘સાહિત્ય, પત્રકારત્વ અને એ.આઇ.’ વિષયક ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત દરિમયાન ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવ શ્રી જયેશ દવેએ જણાવ્યું હતું કે, સાહિત્ય હોય કે પત્રકારત્વ હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – બધાનું એક જ માધ્યમ ‘શબ્દો’ છે. આજનો ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ એ શબ્દોનું સર્જન કરવાનો એક વિનમ્ર પ્રયાસ છે, તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, જે પ્રજાની ભાષા બળવાન હોય તે પ્રજા ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકે. શ્રી જયેશ દવેએ આર્ટિફિશિિયલ ઇન્ટેલિજન્સના નિર્માણનું શ્રેય માનવીને જ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શબ્દોની યાત્રામાં મશીન જ્યાંથી અટકે ત્યાંથી માણસની જરૂરિયાત શરૂ થાય છે. સંવેદના જ એક એવી બાબત છે, જે માનવી અને મશીનને જુદાં પાડે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વખતે માનવીય દેખરેખને અવગણવી ન જોઈએ, તેમ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં એ.આઇ. પત્રકારત્વ ક્ષેત્રે અનિવાર્ય બની ગયું છે. એ.આઇ. ડેટા અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ દ્વારા માહિતીને વિશ્લેષિત કરી ઝડપથી રજૂ કરીને લોકોને મદદ કરી રહ્યું છે. એ.આઇ. એ માત્ર સર્ચ એન્જિન નથી પણ એક બૌદ્ધિક સાધન છે, જેનો ઉપયોગ સતત વધતો જ રહેવાનો છે. કુલપતિશ્રીએ જવાબદારી સાથેના પત્રકારત્વની અપીલ કરીને જણાવ્યું હતું કે, એ.આઇ. ગમે તેટલું શક્તિશાળી હોય, પણ તે માનવીય સંવેદના, વિવેકબુદ્ધિ અને નૈતિક નિર્ણયશક્તિનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં.

ફૂલછાબના તંત્રી શ્રી જ્વલંત છાયાએ પત્રકારત્વ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વિશે ઉમદા દ્રષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં એ.આઇ. જર્નાલિઝમમાં માત્ર એક ‘હેલ્પિંગ ટૂલ’ તરીકે કાર્ય કરી રહ્યું છે, જે પત્રકારત્વ માટે જરાય જોખમી નથી. કારણ કે, એ.આઇ. પાસે માનવીય સંવેદનાઓનું ઊંડાણ અને મૌલિકતાનો અભાવ છે. પત્રકારત્વ જ્યારે સત્યને ઉજાગર કરવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે એ.આઇ. એ સત્ય શોધવાની પ્રક્રિયામાં સહાયક બને છે, એટલે કે એ.આઇ. પોતે રસ્તો નથી પણ ‘માઈલસ્ટોન’ સમાન છે. ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ મુજબ સોનાનું મૂલ્ય અકબંધ છે, પરંતુ સમય જતાં જેમ નવી ડિઝાઇનની માંગ વધે છે, તેમ સતત વાચન-મંથન અને નોલેજ અપડેશન થકી પત્રકાર એ.આઇ.ના માધ્યમથી વધુ ઝડપથી અને ઓછા સમયમાં ગુણવત્તાસભર લેખ તૈયાર કરી શકે છે.

વધુમાં, તેમણે ભાષાકીય સજ્જતા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, ‘બંદૂકની અણીએ’ નહીં પરંતુ ‘બંદૂકના નાળચે’ અને ‘છરીની અણીએ’ જેવી સૂક્ષ્મ ભાષાકીય સમજ હોય તો જ આપણે એ.આઇ.ની ભૂલોને પારખી શકીએ છીએ. આપણે એ.આઇ.નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે, એ.આઇ. આપણો ઉપયોગ ન કરે તે બાબતે સજાગ રહેવું જરૂરી છે. છાપામાં પ્રેસનોટથી લઈને અવસાન નોંધ સુધીના કાર્યોમાં ભલે એ.આઇ. ઉપયોગી થાય, પણ કોઈપણ ઘટનાના પ્રત્યક્ષ રિપોર્ટિંગ માટે તો પત્રકારે જાતે જ જવું પડે છે. અંતે, એ.આઇ. માત્ર ડેટાના આધારે અનુમાન કરી શકે છે, પરંતુ લેખક કે પત્રકાર (માનવી) અનુભવ અને અનુભૂતિ કરી શકે છે!

પ્રસિદ્ધ લેખક, કોલમિસ્ટ શ્રી ધૈવત ત્રિવેદીએ વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, એ.આઇ. જેવી નવી ટેક્નોલોજીનો ભય માનવીમાં સ્વાભાવિક રીતે રહે છે, પરંતુ એ.આઇ. સાહિત્યને ખતમ નહીં કરે શકે. એ.આઇ. માત્ર એવા લોકોનું સ્થાન લેશે, જેઓ યાંત્રિક અને બીબાંઢાળ રીતે લખવા ટેવાયેલા છે. ઉત્તમ લેખન અને સાહિત્ય સર્જન માટે જરૂરી એવો માનવીય ભાવ અને સંવેદના એ.આઇ. પાસે નથી.

સાહિત્યિક લેખનમાં એ.આઇ.ની મર્યાદાઓ સ્પષ્ટ કરતાં શ્રી ધૈવત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એ.આઇ. પાસે ડેટાનો વિશાળ ભંડાર છે. તે પ્રતિષ્ઠિત લેખકો અમૃત ઘાયલ, ગુણવંત શાહ કે રમેશ પારેખના શબ્દોની નકલ કરીને ચોક્કસ માળખામાં રચનાઓ આપી શકે છે, પરંતુ ક્યા વિષય માટે કઈ શૈલી વાપરવી અને કથામાં ક્યાં અટકવું તે સર્જકનો નિર્ણય એ.આઇ. લઈ શકતું નથી. આ ટેક્નોલોજિકલ પડકાર સામે ટકી રહેવા માટે શ્રી ધૈવત ત્રિવેદીએ લેખનમાં સતત નવીનતા અને વૈવિધ્ય લાવવા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. માહિતી અને ડેટા એ માત્ર કાચી સામગ્રી છે; સર્જકે તેમાં પોતાની કલ્પનાશક્તિ અને લાગણીઓનો મસાલો ઉમેરીને તેને જીવંત બનાવવી પડે. અજાણ્યા પ્રદેશો કે વિષયોના સંશોધન અને માહિતી એકત્ર કરવા માટે એ.આઇ.નો ઉપયોગ અવગણી શકાય નહીં. જ્યાં સુધી લેખક પોતાની માનવીય ક્ષમતાઓને સતત વિસ્તારતો રહેશે અને સર્જનમાં મૌલિકતા જાળવી રાખશે, ત્યાં સુધી એ.આઇ. સર્જકનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં, તેમ શ્રી ધૈવત ત્રિવેદીએ જણાવ્યું હતું.

સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ આભારવિધિ કરી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શક્તિભાઈ મુંધવા અને શ્રી હેમાલીબેન ભટ્ટે કર્યું હતું.

આ પ્રસંગે સિનિયર સબ એડિટર્સ શ્રી સંદીપભાઈ કાનાણી અને શ્રી વિરેન્દ્રસિંહ પરમાર, માહિતી મદદનીશ શ્રી ભાવિકાબેન લીંબાસીયા, કમ્પ્યુટર ઓપરેટર શ્રી વિરલભાઈ દલે રોહન, ગૂગલ દાદા, ચતુર ચેટ જી.પી.ટી. અને ગૂગલ જેમીનાઈનું પાત્ર ભજવીને મૌલિકતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાભાલાભ અંગે હળવી શૈલીમાં નાટિકા ભજવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સાચી જોડણી, રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતોની શબ્દપૂર્તિ જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતાં, વિજેતાઓને પ્રોત્સાહનરૂપે ભેટ અપાઇ હતી. વક્તાઓએ પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા.

આ તકે સૌરાષ્ટ્ર ઝોનના સહાયક માહિતી નિયામકો, કર્મચારીઓ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હિરાણી કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!