GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ નિમિત્તે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ યોજાયો

તા.૨૧/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

શક્ય એટલા વધુ ફૂલો ઉગાડીને ગુજરાતી ભાષાના બગીચાને સમૃદ્ધ બનાવીએ : તંત્રી શ્રી જ્વલંત છાયા

ભાષા નિષ્ણાત શ્રી લખમણ જાદવે વિસરાતા અને ઉપયોગી શબ્દો તથા વિવેચક શ્રી હારિતઋષિ પુરોહિતે આધુનિક માધ્યમો વિશે છણાવટ કરી

ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, રાજકોટનું સ્તુત્ય આયોજન

Rajkot: રાજકોટમાં ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, રાજકોટ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ નિમિત્તે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભાષા નિયામક શ્રી ક્રિનલ ખરાડીએ શાબ્દિક સ્વાગતમાં કચેરીની કામગીરી જણાવીને “માતૃભાષા ગુજરાતી માત્ર બોલચાલની ભાષા નથી, આપણા ગૌરવ અને પરંપરાનો જીવંત વારસો છે”, તેમ જણાવી ગુજરાતી ભાષાની મહત્તા સમજાવી હતી.

આ તકે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે સામાન્ય રીતે, એક્શનનું રીફ્લેક્શન જે ભાષામાં આવે, તે માતૃભાષામાં હોય છે. ભક્તિ યુગ દરમિયાન નરસિંહ મહેતા, મીરાંબાઈ, પાનબાઈ, સંત રોહિદાસ જેવા કવિઓએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજીએ ‘ભગવદ્ગોમંડલ’ જેવો આધારભૂત સાહિત્ય ગ્રંથ આપ્યો છે. આધુનિક સાહિત્યમાં અમૃત ઘાયલ, ગની દહીંવાલા, પન્નાલાલ પટેલ સહિત અનેક સાહિત્યકારોએ ગુજરાતીનો વૈભવ વધાર્યો છે. માતૃભાષામાં ખ્યાલોનું સ્પષ્ટીકરણ વધુ સારી રીતે થઈ શકે છે. આથી, વાલીઓએ ગુજરાતી શીખવા પ્રત્યે બાળકોને પ્રેરિત કરવા જોઈએ.

આ પ્રસંગે “ફૂલછાબ” વર્તમાન પત્રના તંત્રી શ્રી જ્વલંત છાયાએ ગુજરાતી ભાષાની જીવંતતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી રેલવેની મુસાફરીમાં થેપલા-છૂંદો ખવાય છે, ત્યાં સુધી ગુજરાતી ભાષાને કોઈ ખતરો નથી. તેમણે ઉમેર્યું હતું કે શક્ય એટલા વધુ ફૂલો ઉગાડીને ગુજરાતી ભાષાના બગીચાને સમૃદ્ધ બનાવીએ. જો ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં સામગ્રી ઉપલબ્ધ હશે તો જ લોકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે સજાગતા અને સતર્કતા આવશે. ભાષાનો ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે ‘મેળે જવું’ અને ‘મેડે જવું’ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાય અને અર્થનો અનર્થ ન થાય, ત્યારે ભાષા બચાવવાની મથામણ સાર્થક ગણાશે. અન્ય ભાષાઓના વિશ્વમાં પ્રવેશવા માટે માતૃભાષા એ પ્રવેશદ્વાર સમાન છે.

સાહિત્યિક દ્રષ્ટિકોણ રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, ‘અણુ’ અને ‘બ્રહ્મ’ને એક જ પંક્તિમાં મૂકી શકનાર નરસિંહ મહેતા માત્ર ‘આદિ કવિ’ જ નહીં પરંતુ ‘આધુનિક કવિ’ પણ છે. તેવી જ રીતે, ઝવેરચંદ મેઘાણીની સુપ્રસિદ્ધ રચના ‘કોઈનો લાડકવાયો’ લખાઈ, એ કોઈ પ્રસંગ આધારિત નથી. આ કવિતા અંગ્રેજીનો અનુવાદ છે, જે આપણી ભાષાના આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના જોડાણને દર્શાવે છે. ગુજરાતી નવલકથાઓના પાને-પાને એવી દમદાર સ્ક્રિપ્ટ રહેલી છે, જે આજના સમયની વેબસિરીઝને પણ ટક્કર આપી શકે છે. વક્તવ્યના અંતે શ્રી જ્વલંતભાઈએ ઉમાશંકર જોશીની પંક્તિ “હું ગુર્જર ભારતવાસી” સહિત પ્રખ્યાત કવિઓની પંક્તિઓ પ્રસ્તુત કરી હતી અને શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી નિરંજન ભગત, શ્રીરાજેન્દ્ર શુક્લ સહિત પદ્ય-ગદ્ય સાહિત્યકારો અને તેમના પ્રદાનને યાદ કર્યું હતું.

આ અવસરે ગુજરાતી ભાષા નિષ્ણાત શ્રી લખમણ જાદવે ગુજરાતી ભાષાના વિસરાતા અને ઉપયોગી શબ્દોની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ‘હાહાગડમથલ’ અને ‘ચખપલબ ગવેડાંનો ગ’ જેવા અજાણ્યા શબ્દોની ઉત્પતિ અને અર્થ સમજાવ્યો હતો. ઉપરાંત, પબેળા (મોટો રોટલો), દોણું (માટલું), વાઢી, હેંડો, સુવાવડ, વહમો, તુંબડું જેવા તળપદા શબ્દોનો અર્થ ‘ઉલમાંથી ચૂલમાં પડવું’ જેવી કહેવતો અને રૂઢિપ્રયોગોના ભાવાર્થ રમુજી રીતે રજૂ કર્યા હતા.

આ વેળાએ ફિલ્મ નિર્માતા, વિવેચક શ્રી હારિતઋષિ પુરોહિતે આધુનિક માધ્યમો વિશે વાત કરી હતી કે ફિલ્મ જોતી વખતે દર્શકો લીન થઈ શકે તો ગુજરાતી ભાષાનો આપોઆપ પ્રચાર થાય છે. કૃતિ સફળ બનાવવા માટે શુદ્ધ ગુજરાતી વાપરવાની જરૂર નથી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અન્ય ભાષા કરતા પોતાની સ્થાનિક ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરે છે તો તે વધુ વાયરલ થાય છે.

હેમુ ગઢવી નાટયગૃહ ખાતે આયોજિત આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયો હતો. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો અને પુસ્તકથી અભિવાદન કરાયું હતું. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલે રીબીન કટ કરીને રાજભાષા પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. જેમાં ભાષા, વ્યાકરણ, સાહિત્ય, જોડણીને લગતી માહિતી અને પ્રસિદ્ધ ગુજરાતી કવિતાઓ પ્રદર્શિત કરાઈ હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી કરાઈ હતી અને સાચા જવાબ આપનારાને પુસ્તક ભેટ અપાયું હતું તેમજ પ્રેશકોએ પ્રતિભાવ આપ્યા હતા.

આ પ્રસંગે નાયબ ભાષા નિયામક શ્રી કેતનકુમાર ઉપાધ્યાયે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન સંશોધન અધિકારી શ્રી વિરલભાઈ ગોહિલે કર્યું હતું. આ તકે યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરા, પ્રકાશન અધિકારી શ્રી જશુભાઈ કવાડ, હિસાબનીશ શ્રી વિપુલભાઈ પ્રજાપતિ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!