Rajkot: રાજકોટ ખાતે સેબી દ્વારા ‘જાગૃત નિવેશક સશક્ત નિવેશક’ વિષયક સેમિનાર યોજાયો

તા.5/11/2025
વાત્સલયમ્ સમાચાર
રોકાણકારો માટે સેબી દ્વારા માર્ગદર્શિકાનું પાલન અને રજીસ્ટર્ડ સંસ્થા સાથે જ વ્યાપાર કરવા અંગે જાગૃતિ અપાઈ
સ્ટોક તેમજ ફોરેક્સ ટ્રેડિંગ માટે માન્ય સંસ્થાઓના ટ્રેડિંગ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો – સાયબર ક્રાઇમ પી.આઈ. શ્રી નિરજ નિમાવત
Rajkot: રાજકોટ ખાતે સેબી દ્વારા એમ.સી.એક્સ. અને એન.સી.ડી.ઈ.એક્સ. સહિતની ટ્રેડિંગ સંસ્થાના માધ્યમથી ઇન્વેસ્ટર જાગૃતિ અંગે ‘જાગૃત નિવેશક સશક્ત નિવેશક’ વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં રોકાણકર્તાઓને ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, સેફ ટ્રેડિંગ અને સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજકોટના હેમુ ગઢવી ખાતે આયોજિત સેમિનારમાં સેબીના ચીફ જનરલ મેનેજરશ્રી દિપક ત્રિવેદી, આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી રાહુલ કેલપુરા, એમ.સી.એક્સ. ના વાઇસ પ્રેસિડન્ટ શ્રી દેબજ્યોતિ રોય, એન.સી.ડી.ઈ.એક્સ. ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી કવિતા ઝા તેમજ શ્રી અર્ચના વેણુગોપાલે ઇન્વેસ્ટર્સને ટ્રેડિંગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેફ ટ્રેડિંગ અંગે માહિતી પુરી પાડી હતી.
આ તકે તજજ્ઞોએ નિવેશકોને શેર, ફોરેન એક્સચેન્જ, કોમોડિટી ટ્રેડિંગ માટે કોઈ પણ વધુ વળતરના પ્રલોભન કે ટિપ્સ પર વિશ્વાસ નહી કરવા ભારપૂર્વક જણાવી સેબી સહિતની માન્ય સંસ્થા અને રજીસ્ટર્ડ એકમ સાથે જ ડીલ કરવા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ માટે સેબીની વેબસાઈટ ખાસ ચેક કરવા જણાવાયું હતું.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી નિરજ નિમાવતે આ તકે સાયબર ફ્રોડ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને ઇન્વેસ્ટર્સને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટોક તેમજ ફોરેક્સ ટ્રેડિંગ માટે સોશિયલ મીડિયા દ્વારા આવતા કોલ કે જાહેરાત પર વિશ્વાસ કરવો નહી, પરંતુ માન્ય સંસ્થાઓના ટ્રેડિંગ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો જોઈએ.
ખાસ કરીને ફાયનાન્સિયલ ફ્રોડથી બચવા કોઈ અજાણી એ.પી.કે. ફાઈલ કે લિંક ન ખોલવા તેમજ ફોન પર ક્યારેય ઓ.ટી.પી. કે પિન નંબર શેર ન કરવા તેમણે જણાવ્યું હતું.
પી. આઈ. શ્રી નિમાવતે હેકિંગ, બુલિંગ, સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઇન ટાસ્ક દ્વારા થતા ફોર્ડ અંગે માર્ગદર્શન પૂરું પાડી તેમાંથી બચવા પાસવર્ડ, મોબાઈલ સેટિંગની ટેક્નિકલ માહિતી સાથે લોભ, લાલચ, પ્રલોભનથી દૂર રહેવા ખાસ સલાહ આપી હતી.
રાજકોટ ખાતે આયોજિત આ સેમિનારમાં ટેક્નોલોજીના વ્યાપ સાથે છેતરપિંડીથી બચવા માટે જાગૃત બનવા પર તમામ તજજ્ઞોએ ભાર મૂકી માન્ય ફાયનાન્સિયલ સંસ્થાઓ સાથે જ વેપાર કરવા માટે ઇન્વેસ્ટર્સને સલાહ આપી હતી.
આ તકે પૂર્વ સાંસદ શ્રી રમાબેન માવાણી અને શ્રી રામજીભાઈ માવાણી, સાયબર ક્રાઈમ પોલીસ વિભાગ ઉપરાંત ઇન્વેસ્ટર્સ અને કોલેજના છાત્રોએ ઉપસ્થિત રહી સેફ ઇન્વેસ્ટમેન્ટ અને ફાયનાન્સિયલ મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી હતી.








